ધર્મશાલા: ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની સિરીઝની છેલ્લી મેચમાં ભારતે ઇનિંગ અને 64 રને જીત મેળવી છે. ધર્મશાલામાં રમયેલી મેચમાં જીત સાથે ભારતે આ શ્રેણી 4-1થી જીતી લીધી છે.
ત્રીજા દિવસે ભારતની પ્રથમ ઇનિંગ 477 રન પર સમાપ્ત થઇ હતી, આ સાથે ટીમ ઇન્ડિયાને 259 રનની લીડ મળી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 195 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ એક ઇનિંગ અને 64 રનથી મેચ હારી ગયું હતું.
પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહેલા આર અશ્વિને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. જયારે જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી. જો રૂટે બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ માટે સંઘર્ષપૂર્ણ ઇનિંગ રમી હતી, જો રૂટ 84 રન બનાવ્યા હતા, કુલદીપ યાદવે રૂટની વિકેટ લઇ ભારતને જીત અપાવી હતી.
ઇંગ્લેન્ડના ટોચના બેટ્સમેન ફરી ફ્લોપ રહ્યા. ઓપનર જેક ક્રાઉલી એકપણ રન બનાવ્યા વગર રવિ અશ્વિનના બોલ પર આઉટ થયો હતો. બેન ડકેટ 2 રન બનાવીને આઉટ થયો હતો. ઓલી પોપ 19 રન બનાવીને આઉટ થયો. જોકે, જોની બેયરસ્ટોએ 39 રનની સારી ઇનિંગ રમી હતી. ઇંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સ 2 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ બેન ફોક્સ રવિ અશ્વિનના હાથે સસ્તામાં બોલ્ડ થયો હતો.
ભારતે 5 ટેસ્ટ મેચની સિરીઝ 4-1થી જીતી લીધી છે. જો કે આ સિરીઝની શરૂઆત ભારત માટે સારી રહી ન હતી. ઈંગ્લેન્ડે ભારતને પ્રથમ ટેસ્ટમાં હરાવ્યું હતું, પરંતુ આ પછી ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિશાખાપટ્ટનમ પછી ભારતે રાજકોટ, રાંચી અને ધર્મશાળામાં અંગ્રેજોને સરળતાથી હરાવ્યાં.