સ્પોર્ટસ

IND vs ENG 4th Test: રાંચી ટેસ્ટમાં ભારતીય ટીમમાં આ ખેલાડી ડેબ્યૂ કરશે? આવું બોલિંગ કોમ્બિનેશન બની શકે છે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ ટેસ્ટ મેચમાં નહીં રમે. તેને વર્કલોડ મેનેજમેન્ટ માટે આરામ આપવામાં આવ્યો છે. એવામા ભારતીય ટીમ નવા ખેલાડીને તક આપવા માટે તૈયારી કરી રહી છે. ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાને રાજકોટ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. 27 વર્ષનો આકાશદીપ રાંચીમાં ડેબ્યૂ કરી શકે છે. જો આકાશદીપને તક મળશે તો કે ભારતીય ટીમ આ મેચમાં પણ 3 સ્પિનરો અને 2 ફાસ્ટ બોલરો સાથે ઉતરશે.

સ્થાનિક ક્રિકેટમાં આકાશ અને મુકેશ કુમાર બંને બંગાળની ટીમના ફાસ્ટ બોલર છે. ભારત પાસે ચોથી ટેસ્ટ માટે મોહમ્મદ સિરાજ સાથે ફાસ્ટ બોલિંગ માટે બે વિકલ્પો છે. પરંતુ અહેવાલો અનુસાર ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ આકાશની પસંદગી કરે એવી શક્યતા છે કારણ કે આકાશદીપે ઈન્ડિયા A અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચેની મેચમાં બોલિંગથી સિલેક્ટર્સને પ્રભાવિત કર્યા હતા.


આકાશે ઈન્ડિયા A માટે બે ટેસ્ટ મેચમાં 10 વિકેટ લીધી હતી. મુકેશની સાથે સાથે આકાશ ટેસ્ટ ક્રિકેટમાં બંગાળનો અગ્રણી ફાસ્ટ બોલર રહ્યો છે. આકાશે 30 ફર્સ્ટ ક્લાસ મેચમાં 23.58ની એવરેજથી 104 વિકેટ લીધી છે.


વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ દરમિયાન, મુકેશને પહેલી ઈનિંગમાં એક પણ વિકેટ મળી ન હતી. તેને માત્ર બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડના નંબર 10 બેટ્સમેન શોએબ બશીરની વિકેટ મળી હતી.


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે જસપ્રીત બુમરાહને ચોથી ટેસ્ટ માટે રિલીઝ કરવામાં આવ્યો છે. આ નિર્ણય સિરીઝના સમયગાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે અને તે છેલ્લા કેટલાક સમયથી સતત ક્રિકેટ રમી રહ્યો છે. ચોથી ટેસ્ટમાં પણ ભારતીય ટીમમાં કેએલ રાહુલ સામેલ નહીં હોય. તે હજુ પણ ઈજામાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ નથી થઇ શક્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button