IND VS ENG 4th Test: રાંચીમાં અશ્વિન-યાદવે કરી કમાલ, ઈંગ્લેન્ડ સામે જીતવા ભારતને Golden Chance
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે. પહેલી ઇનિંગમાં મુશ્કેલીમાં મુકાયેલી ટીમ ઈન્ડિયાએ જબરદસ્ત કમબેક કર્યું છે. ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની બીજી ઇનિંગ માત્ર 145 રનમાં સમેટાઈ ગઈ. ઈંગ્લેન્ડે ભારતને 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી અશ્વિને 5 જ્યારે કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી હતી. જાડેજાએ એક વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી જેક ક્રાઉલે (60) સૌથી વધુ રન બનાવ્યા હતા. આ સિવાય બેયરસ્ટોએ 30 રનની ઇનિંગ રમી હતી.
રવિચંદ્રન અશ્વિને પાંચ વિકેટ લીધી હતી. ટેસ્ટમાં આ તેની 35મી પાંચ વિકેટ હતી. આજે ત્રીજા દિવસે લંચ પહેલા ભારતનો પ્રથમ દાવ 307 રનમાં સમેટાઈ ગયો હતો. ભારત તરફથી ધ્રુવ જુરેલ 90 રન બનાવીને 10માં બેટ્સમેન તરીકે આઉટ થયો હતો. પ્રથમ દાવના આધારે ઇંગ્લેન્ડને ભારત પર 46 રનની લીડ મળી છે. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે શાનદાર બોલિંગ કરી અને 5 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ભારત માટે પ્રથમ દાવમાં ધ્રુવે 90 અને જયસ્વાલે 73 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 353 રન બનાવ્યા હતા.
જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતવામાં સફળ થાય છે, તો તે શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લેશે. પ્રથમ ટેસ્ટ ઈંગ્લેન્ડ અને ભારતે બીજી અને ત્રીજી ટેસ્ટ જીતી હતી.