નેશનલસ્પોર્ટસ

IND VS ENG 3rd Test: રોહિત-જાડેજાની જોડીએ અને સરફરાઝની ધમાકેદાર ડેબ્યૂ હાફ સેન્ચુરીએ ભારતને મૅચ પર પકડ અપાવી

બેન સ્ટૉક્સની 100મી ટેસ્ટના પહેલા દિવસે બે ભારતીયોની સેન્ચુરી

રાજકોટ: અહીં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનનું સ્ટેડિયમ જેને બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી નિરંજન શાહનું નામ આપવામાં આવ્યું છે એના મેદાન પર ગુરુવારે પહેલા દિવસે ભારતીય ટીમે મજબૂત પકડ જમાવી હતી. ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટૉક્સની આ 100મી ટેસ્ટ છે અને એના પ્રથમ દિવસે તેણે ઉપરાઉપરી બે ભારતીય બૅટરની સેન્ચુરી જોવી પડી હતી. ભારતે રમતના અંત સુધીમાં 86 ઓવરમાં પાંચ વિકેટે 326 રન બનાવ્યા હતા. રોહિત શર્મા (131 રન, 196 બૉલ, 281 મિનિટ, ત્રણ સિક્સર, 14 ફોર)એ 11મી ટેસ્ટ સદી ફટકારી હતી, જ્યારે રવીન્દ્ર જાડેજા (110 નૉટઆઉટ, 212 બૉલ, 330 મિનિટ, બે સિક્સર, નવ ફોર)ની આ ચોથી સદી છે.

રોહિત અને જાડેજા વચ્ચેની ચોથી વિકેટ માટેની 204 રનની ભાગીદારી તેમ જ નવોદિત બૅટર સરફરાઝ ખાન (62 રન, 66 બૉલ, 75 મિનિટ, એક સિક્સર, નવ ફોર)ની ઇનિંગ્સ પણ પહેલા દિવસની રમતના બીજા બે આકર્ષણો હતા. જાડેજા સાથે નાઇટ-વૉચમૅન કુલદીપ યાદવ એક રને રમી રહ્યો હતો.


એ પહેલાં, ભારતે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ લીધી હતી. જોકે યશસ્વી જયસ્વાલ (10), શુભમન ગિલ (0) અને રજત પાટીદાર (પાંચ) સસ્તામાં આઉટ થઈ જતાં રોહિત શર્માનો નિર્ણય ખોટો લાગી રહ્યો હતો, પરંતુ ખુદ રોહિતે અને જાડેજાએ બાજી સંભાળી લીધી હતી અને બ્રિટિશ બોલર્સનો હિંમતથી સામનો કરીને ભારતને સન્માનજનક સ્કોર અપાવ્યો હતો. 33/3ના સ્કોર પછી રોહિત આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 237 રન પર પહોંચી ગયો હતો.


ટીમ ઇન્ડિયાને બ્રિટિશ ફાસ્ટ બોલર માર્ક વૂડ સૌથી વધુ ભારે પડ્યો હતો. યશસ્વી અને ગિલની પહેલી બે વિકેટ તેણે જ લીધી હતી. વૂડે 69 રનમાં કુલ ત્રણ વિકેટ અને સ્પિનર ટૉમ હાર્ટલીએ 81 રનમાં એક વિકેટ લીધી હતી. પ્રથમ ટેસ્ટમાં સફળ બોલિંગ કરનાર જો રૂટને 68 રનમાં, રેહાન અહમદને 53 રનમાં અને જેમ્સ ઍન્ડરસનને 51 રનમાં વિકેટ નહોતી મળી.


ભારત પહેલા દાવમાં 500 જેટલા રન કરીને ઇંગ્લૅન્ડની ટીમને પ્રેશરમાં લાવી શકશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button