IND vs ENG 1st Test: ટીમ ઈન્ડિયાએ પહેલી ઇનિંગ 436 રન બનાવ્યા, રાહુલ-જાડેજા-જયસ્વાલની શાનદાર બેટિંગ
હૈદરાબાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પહેલી ઇનિંગ 436 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઈ. આ સાથે ભારતને ઇંગ્લેન્ડ સામે 190 રનની લીડ મળી ગઈ છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 7 વિકેટ ગુમાવીને 421 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 81 રન અને અક્ષર પટેલ 35 રન બનાવી અણનમ રહ્યા હતા.
આજે ત્રીજા દિવસની શરૂઆતમાં જ જો રૂટે સતત બે બોલ પર જાડેજા અને બુમરાહને આઉટ કરીને ઇંગ્લેન્ડને રાહત અપાવી હતી. જાડેજા 87 રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ રેહાન અહેમદે અક્ષર પટેલને 44 રન પર આઉટ કર્યો હતો, આ સાથે ભારતની ટીમ 436 રન પર ઓલ આઉટ થઇ ગઈ. ભારતે ઈંગ્લેન્ડ સામે 190 રનની લીડ મેળવી લીધી છે.
ભારત તરફથી જાડેજાએ સૌથી વધુ રન બનાવ્યા. જાડેજા 87 રન બનાવી જો રૂટના બોલ પર LBW આઉટ થયો હતો, જાડેજાએ રીવ્યુ લીધો હતો, પરંતુ અમ્પાયર કોલ દ્વારા જાડેજાને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. ભારત તરફથી કેએલ રાહુલે 86 રન બનાવ્યા હતા. જ્યારે યશસ્વી જયસ્વાલે 80 રનનું યોગદાન આપ્યું હતું. અક્ષર પટેલ 44 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે 4 વિકેટ ઝડપી હતી. રેહાન અહેમદ અને ટોમ હાર્ટલીને 2-2 વિકેટ મળી હતી. જેક લીચ 1 વિકેટને સફળતા મળી.