સ્ટાર્કે રોહિતને ફેંકેલો 176.5 કિલોમીટરની ઝડપવાળો બૉલ ફાસ્ટેસ્ટ હતો?

પર્થ: રવિવારે અહીં ભારત સામે પ્રથમ વન-ડેમાં વરસાદના વિઘ્ન વચ્ચે ત્રણ વિકેટે વિજય મેળવનાર ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે રોહિત શર્માને ફેંકેલો પ્રથમ બૉલ કલાકે 176.5 કિલોમીટરની ઝડપવાળો વિશ્વનો ફાસ્ટેસ્ટ બૉલ હતો એવી વાતો રવિવારથી સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ હતી, પરંતુ એ વિશે ખુલાસો પણ બહાર આવ્યો છે.
રોહિત (Rohit) એ મૅચમાં માત્ર આઠ રન કરીને જૉશ હેઝલવૂડના બૉલ પર કૅચઆઉટ થયો હતો.
સ્ટાર્કે પછીથી વિરાટ કોહલીને ઝીરો પર આઉટ કર્યો એ બૉલ કરતા સ્ટાર્કે રોહિતને જે પહેલો બૉલ ફેંક્યો હતો એની ક્રિકેટ જગતમાં વધુ ચર્ચા છે.
સ્ટાર્ક (Starc)નો એ બૉલ કલાકે 176.5 કિલોમીટરની સ્પીડનો હતો એવું સ્પીડ ગનમાં બતાવાતાં મીડિયામાં એને વિશ્વના ફાસ્ટેસ્ટ બૉલ તરીકે ઓળખાવવામાં આવ્યો હતો. જોકે પછીથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સ્પીડ ગન ખરાબ થઈ જતાં એ બૉલની પેસ વિશે ખોટો આંકડો બતાવાયો હતો.
હકીકતમાં સ્ટાર્કના એ ચર્ચાસ્પદ બૉલની ઝડપ કલાકે 140.8 કિલોમીટર હતી. સ્ટાર્કે સરેરાશ 140.00ની ઝડપે બૉલ ફેંક્યા હતા.
પાકિસ્તાનના શોએબ અખ્તરે 2003ના વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડના નિક નાઈટને ફેંકેલા એક બૉલની સ્પીડ કલાકે 161.3 કિલોમીટર હતી અને એ હજીયે ફાસ્ટેસ્ટ બૉલ છે. એક બ્રોડકાસ્ટરે કહ્યું હતું કે કલાકે 176.5 કિલોમીટરની ઝડપે જો બૉલ ફેંકાય તો ભલભલો બૅટ્સમૅન એ રમી ન શકે.
આ પણ વાંચો…ઑસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆતમાં ભારતનો ફ્લૉપ-શોઃ આ રહ્યા પરાજયના 11 કારણ