બ્રિસ્બેન: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) રમાઈ રહી છે, હાલ સિરીઝ 1-1ની બરાબરી પર છે. સિરીઝની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડીયમમાં રમાઈ (IND vs AUS 3rd Test) રહી છે. આજે મંગળવારે મેચનો પાંચમો અને છેલ્લો દિવસ છે, હાલ મેચ રોમાંચક સ્થિતિમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગ 89/7 પર ડિકલેર કરી. આ રીતે ભારતને જીતવા માટે 275 રનનો ટાર્ગેટ મળ્યો છે, જયારે મેચમાં 54 ઓવર બાકી છે.
આજનો દિવસ કેવો રહ્યો:
બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી, પાંચમા દિવસે જસપ્રીત બુમરાહે ઉસ્માન ખ્વાજાને 8 રન પર ક્લીન બોલ્ડ કર્યો હતો. થોડા સમય પછી, બુમરાહએ માર્નસ લાબુશેન (1)ને વિકેટકીપર પંતના હાથે કેચ આઉટ કરાવ્યો. ત્યારપછી આકાશ દીપે તેની પહેલી જ ઓવરમાં નાથન મેકસ્વીની (4)ને પંતના હાથે કેચ કરાવ્યો હતો. થોડા સમય બાદ આકાશે પણ મિચેલ માર્શ (2)ને પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 28/4 થઈ ગયો.
આ પછી, સ્ટીવ સ્મિથે મોહમ્મદ સિરાજના બોલ પર ચોગ્ગો ફટકાર્યો, પરંતુ તે પછીના જ બોલ પર જ તે ફ્લિક કરવાનો પ્રયાસ કરતા પંતના હાથે કેચ આઉટ થયો. આ રીતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 33/5 થઈ ગયો. ટ્રેવિસ હેડ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ તે લાંબી ઇનિંગ રમી ના શક્યો, તે 17 રન બનાવીને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો.
હેડ પછી આવેલા કેપ્ટન પેટ કમિન્સે 10 બોલમાં 22 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તે બુમરાહના બોલ પર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. બીજી ઈનિંગમાં ભારત તરફથી જસપ્રિત બુમરાહે 3 જ્યારે મોહમ્મદ સિરાજ અને આકાશ દીપે 2-2 વિકેટ ઝડપી હતી.
Also read: https://bombaysamachar.com/sports/how-india-reach-wtc-final-despite-likely-draw/
આવી રહી પહેલી ઇનિંગ:
ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. જો કે આજે પણ વરસાદના કારણે મેચ ખોરવાઈ ગઈ હતી. આજે મેચમાં ફરી વખત વરસાદ થવાની સંભાવના છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી:
પર્થમાં રમાયેલી BGTની પ્રથમ મેચમાં ભારતીય ટીમે 295 રનથી જીત મેળવી હતી, જ્યારે એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીત મેળવી હતી. જો જોવામાં આવે તો અગાઉ બ્રિસ્બેન ગાબા મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સાત ટેસ્ટ રમાઈ હતી. જેમાંથી ભારતીય ટીમને 5 મેચમાં હાર મળી અને એક મેચ ડ્રો રહી છે. ગાબા ખાતે ભારતીય ટીમ એકમાત્ર ટેસ્ટ જાન્યુઆરી 2021માં જીતી હતી.