Top Newsસ્પોર્ટસ

અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતના છોકરાઓ છવાઈ ગયાઃ હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કર્યો, 10મી વખત ફાઇનલમાં

સેમિ ફાઇનલમાં કેરળના આરૉનની વિનિંગ સેન્ચુરી અને અમદાવાદના વેદાંત ત્રિવેદીનો વિનિંગ શૉટઃ શુક્રવારે ઇંગ્લૅન્ડ સામે ફાઇનલ

હરારેઃ મેન્સ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ (U-19 WORLD CUP)માં ભારતે જબરદસ્ત પર્ફોર્મ કરીને 10મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત (INDIA) પાંચ વખત ટાઇટલ જીત્યું છે અને ચાર વાર રનર-અપ રહ્યું છે.

ઝિમ્બાબ્વેના હરારેમાં ભારતે અફઘાનિસ્તાન સામે 311 રનનો લક્ષ્યાંક માત્ર 41.1 ઓવરમાં ત્રણ જ વિકેટના ભોગે (53 બૉલ અને સાત વિકેટ બાકી રાખીને) મેળવી લીધો હતો. અન્ડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં 311 રનનો સૌથી મોટો ટાર્ગેટ સફળતાપૂર્વક મેળવીને ભારતે નવો ઇતિહાસ રચ્યો છે. અમદાવાદના વેદાંત ત્રિવેદી (પાંચ અણનમ)એ વિનિંગ રન બનાવ્યો હતો.

આપણ વાચો: અન્ડર-19 વર્લ્ડ કપમાં આજે ભારતની સેમિ ફાઈનલ, અફઘાનિસ્તાન સામે 10-2નો જીત-હારનો રેશિયો

ઓપનર આરોન જ્યોર્જ (115 રન, 104 બૉલ, બે સિક્સર, પંદર ફોર) આ જીતનો સુપરસ્ટાર હતો. તે 40મી ઓવરમાં ભારતને 300 રન સુધી પહોંચાડ્યા બાદ આઉટ થયો હતો. ભારતે આ સેમિ ફાઇનલ જીતી લીધી અને હવે શુક્રવારે, છઠ્ઠી ફેબ્રુઆરીએ (બપોરે 1.00 વાગ્યાથી) હરારેમાં જ ભારતનો ઇંગ્લૅન્ડ સામે ફાઇનલમાં મુકાબલો થશે.

વૈભવ સૂર્યવંશી (68 રન, 33 બૉલ, ચાર સિક્સર, નવ ફોર)ની વિકેટ ગુમાવ્યા પછી આરૉન જ્યોર્જ અને કૅપ્ટન આયુષ મ્હાત્રે (62 રન, 59 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 114 રનની મોટી ભાગીદારી થઈ હતી.

સૂર્યવંશીની જેમ મ્હાત્રેએ પણ વિકેટ ગુમાવતાં પહેલાં ભારતને વિજય માટે મજબૂત પાયો નાખી આપ્યો હતો. તેની વિકેટ બાદ ઓપનર જ્યોર્જ સાથે વિહાન મલ્હોત્રા (38 અણનમ, 47 બૉલ, ત્રણ ફોર) જોડાયો હતો અને છેલ્લે વિહાને વેદાંત સાથે મળીને 11 રનની મહત્ત્વપૂર્ણ અતૂટ ભાગીદારીથી ભારતની નૌકા પાર કરાવી હતી. અફઘાનિસ્તાનના નૂરીસ્તાની ઓમરઝાઇએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

આપણ વાચો: ટી-20 વર્લ્ડ કપ નજીક આવી ગયો, ભારતનો પહેલો મુકાબલો અમેરિકા સામે!

એ પહેલાં, અફઘાનિસ્તાને બૅટિંગ લીધા બાદ 50 ઓવરમાં ચાર વિકેટે 310 રન કર્યા અને ભારતને 311 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો ત્યારે એવું લાગતું હતું કે ભારત માટે આ ટાર્ગેટ મુશ્કેલ બની શકે. જોકે હાર્ડ હિટર્સથી ભરેલી ભારતીય ટીમની બૅટિંગ લાઇન-અપ આ ટૂર્નામેન્ટમાં શરૂઆતથી જ ભરોસાપાત્ર રહી છે અને આ લાઇન-અપ છેક છઠ્ઠા-સાતમા નંબર સુધીની હોવાથી ભારતના વિજયની સંભાવના વધુ હતી અને ભારતે જીતીને બતાવ્યું.

અફઘાનિસ્તાન વતી ફૈસલ શિનોઝાદા (93 બૉલમાં 110 રન) અને ઉઝૈરુલ્લા નિયાઝાઇ (86 બૉલમાં અણનમ 101)ની સેન્ચુરીએ ભારત માટે જીતવું મુશ્કેલ કરી દીધું હતું, પરંતુ ભારતના ટૉપ-ઑર્ડરે અફઘાનિસ્તાનને પરાજય તરફ ધકેલી દીધું. ભારતના છ બોલર અફઘાની બૅટ્સમેનોને કાબૂમાં નહોતા રાખી શક્યા.

ફૈસલ-ઉઝૈરુલ્લા વચ્ચે ત્રીજી વિકેટ માટે 148 રનની ભાગીદારી થઈ હતી. દીપેશ દેવેન્દ્રન તથા કનિષ્ક ચૌહાણને બે-બે વિકેટ મળી હતી. હેનિલ પટેલ, ખિલન પટેલ, આર. એસ. અંબરિશ અને કૅપ્ટન આયુષ મ્હાત્રેને વિકેટ નહોતી મળી. ઉલ્લેખનીય છે કે ઇંગ્લૅન્ડની ટીમ મંગળવારની સેમિ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button