
બેન્ગલૂરુ: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની બુધવારની બે સુપર ઓવરવાળી અભૂતપૂર્વ મૅચનો અંત તો અત્યંત રોમાંચક હતો જ, એની શરૂઆત જ નાટ્યાત્મક રીતે થઈ હતી. હિટમૅન રોહિત શર્મા ભારતને 3-0થી ક્લીન સ્વીપ અપાવતા આ મુકાબલાનો સુપરસ્ટાર હતો જ, મૅચના આરંભમાં જે થોડો ડ્રામા થયો એની સાથે પણ ભારતીય કૅપ્ટન જ સંકળાયેલો હતો. રોહિત સિરીઝની પહેલી બે મૅચમાં ઝીરો પર જ વિકેટ ગુમાવી બેઠો હતો એટલે થોડો પ્રેશરમાં હતો, પણ તેણે ફરીદ અહમદના એક બૉલમાં પોતાની સાથે જે કંઈ બન્યું એને ખૂબ હળવાશથી લઈને અમ્પાયર વીરેન્દર શર્મા (જેને બધા વીરુ કહીને બોલાવે છે) સાથે પણ લાઇટર ટોનમાં વાતચીત કરી હતી.
મૅચના પહેલા બૉલમાં યશસ્વી જયસ્વાલે ત્રણ રન લેતાં રોહિત સ્ટ્રાઇક પર આવ્યો હતો. ફરીદના લેગ સાઇડ પરના બૉલને રોહિતે ગ્લાન્સ કરીને બાઉન્ડરી લાઇન તરફ મોકલી દીધો હોવાનું લાગ્યું હતું. રોહિતના બૅટની એજ લાગીને બૉલ બાઉન્ડરી લાઇન તરફ ગયો હતો, પણ અમ્પાયર વીરેન્દર શર્માને લાગ્યું કે રોહિતના થાઇ પૅડને બૉલ વાગ્યો હતો એટલે તેમણે લેગ બાયનાં ચાર રન ડિક્લેર કરી દીધા હતા. રોહિતથી રહેવાયું નહીં અને વીરેન્દર શર્મા પાસે જઈને હસતાં બોલ્યો, ‘એ વીરુ, થાઇ પૅડ દિયા ક્યા પહેલા બૉલ? ઉસ મેં ઇતના બડા બૅટ લગા થા. પહેેલે હી દો ઝીરો લગ ચૂકા હૈ.’ રોહિતની અમ્પાયર વીરેન્દર પ્રત્યેની આ પ્રતિક્રિયા સ્ટમ્પ માઇકમાં ઝડપાઈ ગઈ અને એનો વીડિયો જોત જોતામાં વાયરલ થઈ ગયો છે. યોગાનુયોગ, ફરીદની એ જ ઓવરનો પાંચમો બૉલ ખરેખર રોહિતના થાઇ પૅડને વાગ્યો હતો અને બૉલ ફાઇન લેગ તરફ બાઉન્ડરી લાઇનની બહાર જતો રહેતાં અમ્પાયર વીરેન્દરે એને ફોર લેગ બાય ડિક્લેર કરી હતી.
રોહિત આ ઘટના પછી જે મિજાજમાં રમ્યો એ આપણે કદી નહીં ભૂલી શકીએ. ટી-20 ઇન્ટરનૅશનલમાં તે પાંચમી સેન્ચુરી ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો, મૅચમાં તેણે અનેક વિક્રમો રચ્યા, બંને ઐતિહાસિક સુપર ઓવરમાં પણ તેણે ચોક્કા-છગ્ગાની રમઝટ બોલાવી અને છેલ્લે મૅન ઑફ ધ મૅચ બન્યો.