IND vs AFG T20: BCCIએ ગ્વાલિયરને આપ્યો ઝટકો, મેચ આ શહેરમાં શિફ્ટ થઈ

ભોપાલ: આવતા વર્ષના પ્રથમ મહિનામાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝ રમાવાની છે. એ પહેલા ગ્વાલિયર-ચંબલ અને સરહદી રાજ્યો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ક્રિકેટ રસિકોને મોટો ઝટકો લાગ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 14 જાન્યુઆરીએ ગ્વાલિયરમાં પ્રસ્તાવિત T-20 મેચ હવે ઈન્દોર શિફ્ટ કરી દેવમાં આવી છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય T-20 મેચ ગ્વાલિયરમાં નવનિર્મિત શંકરપુર સ્ટેડિયમમાં યોજવાની હતી. આ સ્ટેડિયમ જીડીસીએ દ્વારા જૂના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં શંકરપુરમાં 60 વીઘા જમીન પર બનાવવામાં આવી રહ્યું છે, જે હાલમાં નિર્માણાધીન છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ અહીં યોજાશે તેવા સંકેતો મળ્યા બાદ જીડીસીએએ તેનું બાંધકામ વહેલી તકે પૂર્ણ કરવા માટે તમામ તાકાત લગાવી દીધી હતી, ત્યારબાદ ત્રીસ હજાર દર્શકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ લગભગ તૈયાર થઈ ગયું હતું, પરંતુ બીસીસીઆઈએ ટીમે તપાસ દરમિયાન સ્ટેડીયમને મેચ માટે અયોગ્ય જાહેર કયું હતું.
BCCIની વિવિધ ટીમોએ સ્ટેડીયમના ગ્રીનરૂમ, ફ્લડ લાઇટ, સુરક્ષા વ્યવસ્થાથી માંડીને ટીમના રોકાણ વગેરેની વ્યવસ્થાઓની તપાસ કરી હતી., ટેક્નિકલ ટીમને પિચ અંગે પણ કેટલીક સમસ્યાઓ હતી. સૌથી મોટી સમસ્યા ઘાસની હતી. ટીમને જાણવા મળ્યું કે પીચ પર પૂરતું ઘાસ નથી અને તેના પર મોટી તિરાડો પણ દેખાઈ રહી છે. ઠંડી અને ધુમ્મસવાળા વાતાવરણમાં એક મહિનામાં ઘાસ ઉગે તેવી શક્યતા નથી. આ ટીમોએ આપેલા રિપોર્ટના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
MPCAએ જાહેરાત કરી છે કે હવે આ મેચ 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. જો કે, MPCAનું કહેવું છે કે આ મેચ ઈન્દોરમાં પહેલાથી જ પ્રસ્તાવિત હતી, પરંતુ ગ્વાલિયરમાં તેને આયોજિત કરવાના પ્રયાસો થઈ રહ્યા હતા. હાલમાં ગ્વાલિયરના શંકરપુર સ્ટેડિયમમાં કામ ચાલી રહ્યું છે, તેથી ત્યાં અત્યારે મેચ શક્ય નથી. લાંબા સમય બાદ ગ્વાલિયરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ જોવાની આશા રાખતા ક્રિકેટ પ્રેમીઓ આ સમાચારથી ભારે નિરાશ થયા છે.