પલ્લેકેલ: ક્રિકેટના ઈતિહાસમાં ક્યારેય નહીં જોવા મળી હોય એવી ટાઈ અને સુપર ઓવર મંગળવારે અહીં ભારત-શ્રીલંકા વચ્ચેની ત્રીજી તથા છેલ્લી ટી-20માં થઈ હતી. ટીમ ઈન્ડિયાના બે બૅટર્સની કમાલની ડેબ્યૂ બોલિંગને લીધે મૅચ ટાઈ થઈ અને પછી ફક્ત પાંચ જ બૉલમાં સુપર ઓવરનો રાઉન્ડ પૂરો થઈ ગયો હતો. સુપર ઓવરમાં શ્રીલંકા ફક્ત બે રન બનાવી શક્યું અને ભારતે એક જ બૉલમાં વિજયી રન કરીને સિરીઝમાં 3-0થી કલીન સ્વીપ કરી હતી.
વૉશિંગ્ટન સુંદરને મૅન ઑફ ધ મૅચનો અને સૂર્યકુમાર યાદવને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
બન્યું એવું કે બૅટિંગ મળ્યા પછી ભારતે 20 ઓવરમાં નવ વિકેટે 137 રન બનાવ્યા હતા. શ્રીલંકાનો સ્કોર 15.1 ઓવરમાં 110/1 હતો અને તેમણે 35 બૉલમાં જીતવા માત્ર 28 રન બનાવવાના હતા અને નવ વિકેટ બાકી હતી. જોકે 16મી ઓવરમાં કુસાલ મેન્ડીસ (46 રન) સ્પિનર રવિ બિશ્નોઈના બૉલમાં એલબીડબલ્યુ થયો એ સાથે શ્રીલંકાનો ધબડકો શરૂ થયો હતો. યજમાન ટીમે 22 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી.
શ્રીલંકાની ટીમ મૅચમાં મોટાભાગે ભારત પર પ્રભુત્વ જાળવ્યા બાદ છેવટે પાણીમાં બેસી ગઈ હતી. તેમણે છેલ્લી બે ઓવરમાં નવ રન બનાવવાના હતા અને છ વિકેટ હાથમાં હતી. જોકે ટી-20માં ક્યારેય બોલિંગ ન કરનાર બૅટર રિન્કુ સિંહને કેપ્ટન સૂર્યકુમારે મોટું જોખમ ઉઠાવીને 19મી ઓવર આપી હતી. રિન્કુએ ઑફ સ્પિનની કમાલથી ઓવરમાં ફક્ત ત્રણ રન આપ્યા અને બે વિકેટ લીધી હતી.
હવે શ્રીલંકાએ 20મી ઓવરના છ બૉલમાં ફક્ત છ રન બનાવવાના હતા અને ચાર વિકેટ હાથમાં હતી.
સિરાજની એક ઓવર બાકી હતી, પરંતુ સૂર્યકુમાર બધાના આશ્ચર્ય વચ્ચે પોતે જ 20મી ઓવર કરવા બોલિંગ રન-અપ પર આવ્યો હતો. તે પણ ટી-20 ઇન્ટરનૅશનલમાં પહેલી જ વાર બોલિંગ કરવાનો હતો.
ઓવર-રેટમાં ભારત પાછળ હોવાથી છેલ્લી ઓવરમાં 30 યાર્ડના સર્કલની બહાર ચાર જ ફીલ્ડર ઊભા રાખી શકાયા હતા. સૂર્યા મિડિયમ પેસ બોલિંગ અને ઑફ સ્પિન બોલિંગ કરી જાણે છે. તેની 20મી ઓવરમાં ફક્ત પાંચ રન બન્યા હતા અને તેણે બે વિકેટ પણ લીધી હતી. તેની એ 20મી ઓવરને અંતે (ભારતના 137/9ના સ્કોર સામે) શ્રીલંકાનો સ્કોર 137/8 રહ્યો અને મૅચ ટાઈ થઈ હતી.
સુપર ઓવર શરૂ થઈ અને એમાં જોરદાર વળાંક આવવા લાગ્યા હતા. વૉશિંગ્ટન સુંદરની એ ઓવરનો પહેલો બૉલ વાઈડ હતો અને બીજા બૉલમાં એક રન બન્યો હતો. તેણે ત્રીજા-ચોથા બૉલમાં અનુક્રમે પરેરા તથા નિસન્કાની વિકેટ લીધી અને શ્રીલંકાનો એ દાવ માત્ર બે રન સાથે (0.4 ઓવરમાં 2/2) પૂરો થઈ ગયો હતો.
ખુદ સૂર્યકુમાર અને શુભમન ગિલ બૅટિંગ કરવા ઊતર્યા હતા અને સૂર્યકુમારે થીકશાનાના પહેલા જ બૉલમાં ફોર ફટકારીને ખેલ ત્યાં જ ખતમ કરી નાખ્યો હતો. ભારત એ સુપર ઓવર (0.1 ઓવરમાં 4/0) જીતી ગયું અને એ સાથે ગૌતમ ગંભીરના પ્રથમ કોચિંગમાં અને સૂર્યકુમારની પહેલી રાબેતા મુજબની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના 3-0ના વ્હાઇટ વૉશ સાથે ભારતીય ક્રિકેટના નવા યુગનો આરંભ કર્યો હતો.
હવે બંને દેશ વચ્ચે શુક્રવાર, બીજી ઓગસ્ટે કોલંબોમાં પહેલી વન-ડે (બપોરે 2:30 વાગ્યાથી) રમાશે.
Also Read –