મહિલા વર્લ્ડ કપમાં ભારત માટે રવિવારે દુબઈમાં પાકિસ્તાન સામે ‘કરો યા મરો’
હેડ-ટુ-હેડ મુકાબલામાં ભારત 12-3થી આગળ, બન્ને ટીમમાં કોણ-કોણ છે?
દુબઈ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામે પરાજય થયો એ સાથે સેમિ ફાઇનલમાં પહોંચવાનું ભારતીય ટીમ માટે અત્યારથી મુશ્કેલ તો થઈ જ ગયું, ન્યૂ ઝીલૅન્ડને લાગલગાટ 10 ટી-20માં પરાજય જોયા બાદ 11મી મૅચમાં વિજય માણવા મળી ગયો. હવે રવિવાર, 6ઠ્ઠી ઑક્ટોબરે (બપોરે 3.30 વાગ્યાથી) ભારતનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મુકાબલો છે. આ મૅચ ભારતે જીતવી જ પડશે અને ત્યાર બાદ 9મી ઑક્ટોબરે એશિયન ચૅમ્પિયન શ્રીલંકાને પણ હરાવવું પડશે, કારણકે ત્યાર બાદ 13મી ઑક્ટોબરે ભારતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે લોઢાના ચણા ચાવવાના છે એટલે એમાં વિજયની સંભાવના નહીંવત કહેવાય.
આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા વર્લ્ડ કપનું યજમાન બનવાની ના પાડી…જાણો શા માટે
પાકિસ્તાન સામેનો રવિવારનો મુકાબલો જીતવો અત્યંત જરૂરી એ માટે છે કે કિવી ટીમ સામેની 58 રનના માર્જિનથી થયેલી હાર બાદ હવે વિમેન ઇન બ્લ્યૂને એક પરાજય પણ પરવડશે નહીં. ભારતનો રન રેટ -2.99 છે એટલે હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ સેમિ ફાઇનલની આશા જીવંત રાખવા મોટા માર્જિનથી પાકિસ્તાન, શ્રીલંકા તથા ઑસ્ટ્રેલિયા સામે વિજય મેળવવો પડશે.
ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતીય ટીમ બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેયમાં નબળી પુરવાર થઈ હતી. બીજી બાજુ, ફાતિમા સનાના સુકાનમાં પાકિસ્તાનની ટીમે શ્રીલંકા સામે ગુરુવારે વિજય મેળવ્યો હતો. પાકિસ્તાનની ટીમ બે-અઢી દિવસના આરામ બાદ ભારત સામે રમવા આવી રહી છે, જ્યારે ભારતીય ટીમને શુક્રવારના પરાજય બાદ એક જ દિવસનો આરામ મળ્યો છે.
આ પણ વાંચો: ફક્ત 115 રૂપિયામાં જોવા મળશે મહિલા વર્લ્ડ કપની મૅચ! જાણી લો ક્યાં…
જોકે પાકિસ્તાન સામેની ટી-20માં ઇતિહાસ ભારતની તરફેણમાં છે એટલે હરમનપ્રીતની ટીમ જીતીને ફરી ટૂર્નામેન્ટના મુખ્ય પ્રવાહમાં આવી શકશે. ભારતે પાકિસ્તાનને 15માંથી 12 ટી-20માં હરાવ્યું છે અને ફક્ત ત્રણમાં જ પરાજય જોયો છે.
પાકિસ્તાનની બોલિંગ લાઇન-અપ મજબૂત છે. એમાં નિદા દર, ફાતિમા સના અને સાદિયા ઇકબાલનો સમાવેશ છે. તેમની સામે શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત, રિચા ઘોષ, જેમાઇમા રૉડ્રિગ્સ વગેરે બૅટર્સે સારું પર્ફોર્મ કરવું જ પડશે.
બન્ને દેશની ટીમ
ભારત: હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ અને સજીવન સજના.
પાકિસ્તાન: ફાતિમા સના (કૅપ્ટન), ગુલ ફિરોઝા (વિકેટકીપર), આલિયા રિયાઝ, ડાયના બેગ, ઇરમ જાવેદ, મુનીબા અલી, નશરા સંધુ, નિદા દર, ઓમઇમા સોહેલ, સદફ શમાસ, સાદિયા ઇકબાલ, સિદરા અમીન, સઇદા શાહ, તસ્મિઆ રુબાબ, તુબા હસન.