ભારતીય ક્રિકેટરોએ એક જ દિવસમાં બે ઑસ્ટ્રેલિયન ટીમને હરાવી દીધી!

બ્રિસ્બેન/લખનઊઃ આ વર્ષની શરૂઆતમાં રોહિત શર્માના સુકાનમાં ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ-સિરીઝ 1-3થી હારીને ઑસ્ટ્રેલિયાથી પાછી આવી હતી, પરંતુ શુક્રવારનો દિવસ ભારતીય ક્રિકેટ માટે ઑસ્ટ્રેલિયન ક્રિકેટરો સામે શુકનિયાળ સાબિત થયો છે, કારણકે આ દિવસે ભારતીય ક્રિકેટરોએ ઑસ્ટ્રેલિયાની બે ટીમને પરાસ્ત કરી.
બ્રિસ્બેનમાં ભારતની અન્ડર-19 (India under 19) ટીમે ઑસ્ટ્રેલિયાની અન્ડર-19 ટીમને સતત ત્રીજી વન-ડેમાં હરાવીને શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી હતી અને બીજી બાજુ લખનઊમાં ઇન્ડિયા એ'નો ઑસ્ટ્રેલિયા
એ’ સામેની બિનસત્તાવાર ટેસ્ટમાં 413 રનના રેકૉર્ડ-ચેઝ સાથે વિજય થયો અને આ સિરીઝ ભારતે 1-0થી જીતી લીધી.
ક્રિકેટમાં ઑસ્ટ્રેલિયા એવો દેશ છે જેની એક સાથે બે કૅટેગરીની ટીમ સામે કોઈ એક જ દેશની ટીમોએ જીત મેળવી હોય એવું ભૂતકાળમાં જવલ્લે જ બન્યું હશે અને શુક્રવારે એ ગૌરવ ભારતે મેળવ્યું હતું.
વેદાંત બન્ને ટીમના બૅટ્સમેનોમાં સર્વોત્તમ
સૌથી પહેલાં અન્ડર-19 મુકાબલાની વાત કરીએ તો બ્રિસ્બેનમાં ઇન્ડિયા અન્ડર-19 ટીમના કૅપ્ટન આયુષ મ્હાત્રેએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે 50 ઓવરમાં નવ વિકેટે 280 રન કર્યા હતા જેમાં અમદાવાદના 18 વર્ષીય રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન વેદાંત ત્રિવેદી (86 રન, 92 બૉલ, આઠ ફોર)નો સૌથી મોટો ફાળો હતો.
તેની અને રાહુલ કુમાર (62 રન, 84 બૉલ, છ ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે 99 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. જો આ ભાગીદારી ન થઈ હોત તો ભારતીય ટીમને ઑસ્ટ્રેલિયાનો એના જ આંગણે 3-0થી વાઇટ-વૉશ ન કરવા મળ્યો હોત.
ઑસ્ટ્રેલિયા અન્ડર-19 ટીમ આયુષ મ્હાત્રેની ટીમના બોલર્સ સામે ઝૂકી ગઈ હતી અને ફક્ત 113 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં ઇન્ડિયા અન્ડર-19 ટીમનો 167 રનથી વિજય થયો હતો. વેદાંતે (Vedant Trivedi) આ સિરીઝમાં કુલ 173 રન કર્યા જે બન્ને ટીમના તમામ બૅટ્સમેનોમાં સૌથી વધુ છે.
મોડાસાના પટેલની ચાર વિકેટ
મોડાસાના 18 વર્ષીય લેફ્ટ-આર્મ સ્પિનર ખિલાન પટેલનો ભારતના પાંચ બોલર્સમાં સૌથી સારો પર્ફોર્મન્સ હતો. તેણે માત્ર 26 રનમાં ચાર વિકેટ લીધી હતી, જ્યારે ઉધવ મોહને ત્રણ તથા કનિષ્ક ચૌહાણે બે વિકેટ મેળવી હતી. ખિલાન પટેલ સિરીઝમાં કુલ પાંચ વિકેટ લઈને ભારતના કનિષ્ક ચૌહાણ (છ વિકેટ) પછી બીજા નંબરે હતો.
રાહુલ રિટાયર-હર્ટ થયા પછી પાછો રમ્યો
લખનઊમાં ધ્રુવ જુરેલના સુકાનમાં ઇન્ડિયા એ’ ટીમે પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. ઑસ્ટ્રેલિયા એ’ ટીમે પ્રથમ દાવમાં 420 રન કર્યા ત્યાર બાદ ઇન્ડિયા એ’ ટીમે 194 રન બનાવતાં પ્રવાસી ટીમને 226 રનની સરસાઈ મળી હતી. સાઇ સુદર્શને એ પ્રથમ દાવમાં 75 રન કર્યા હતા.
રાજસ્થાનના લેફ્ટ-આર્મ સ્પિનર માનવ સુથારની ત્રણ વિકેટ, પંજાબના ગૂર્નુર બ્રારની ત્રણ વિકેટ તેમ જ મોહમ્મદ સિરાજ તથા યશ ઠાકુરની બે-બે વિકેટને લીધે ઑસ્ટ્રેલિયા એ’ ટીમ માત્ર 185 રનના સ્કોર પર આઉટ થઈ જતાં ભારતીય ટીમને જીતવા 412 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
ભારત માટે જીતવું ખૂબ મુશ્કેલ હતું, પરંતુ કે. એલ. રાહુલ (176 અણનમ, 210 બૉલ, ચાર સિક્સર, 16 ફોર) અને સાઇ સુદર્શન (100 રન, 172 બૉલ, એક સિક્સર, નવ ફોર) વચ્ચે મોટી ભાગીદારી થઈ હતી. રાહુલ ગુરુવારે 76 રનના પોતાના સ્કોર પર રિટાયર-હર્ટ થયો હતો. જોકે શુક્રવારે તે પાછો રમવા આવ્યો હતો અને બીજા 100 રન કર્યા હતા. કૅપ્ટન ધ્રુવ જુરેલે ચોક્કા-છગ્ગાનો વરસાદ વરસાવીને 56 રન કર્યા હતા.
વિન્ડીઝ સામેના સિલેક્શનને યોગ્ય ઠરાવ્યો
કે. એલ. રાહુલ અને સાઇ સુદર્શને બીજી ઑક્ટોબરે અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટેની ટીમમાં પોતાના થયેલા સમાવેશને લખનઊ-મૅચની સદી સાથે યથાર્થ ઠરાવી હતી. ઇન્ડિયા ` એ’ ટીમે પાંચ વિકેટે 413 રનના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો. રાહુલને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. બન્ને દેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રૉ થઈ હતી. હવે બન્ને ટીમ વચ્ચે 30મી સપ્ટેમ્બરથી કાનપુરમાં ત્રણ વન-ડે રમાશે.
આ પણ વાંચો…ભારતની ઓપનર તૃષાએ અન્ડર-19 વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ…