જુનિયર એશિયા કપની ફાઇનલમાં ભારત હારી ગયું…

દુબઈઃ અહીં રવિવારે ભારતીય અન્ડર-19 ટીમનો પાકિસ્તાન સામે એશિયા કપ (Asia Cup0ની ફાઇનલમાં 191 રનથી પરાજય થયો હતો. પાકિસ્તાને 50 ઓવરમાં આઠ વિકેટે 347 રન કર્યા બાદ ભારતીય ટીમ 156 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. જોકે ભારતીય ખેલાડીઓએ મૅચ પછી દુશ્મન-દેશ પાકિસ્તાનના ખેલાડીઓને જીત બદલ અભિનંદન ન આપીને તેમને શરમમાં મૂકી દીધા હતા.
દીપેશે પાકિસ્તાની બોલિંગની ધુલાઈ કરી
ભારત (INDIA)ની બૅટિંગ લાઇન-અપ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી. પેસ બોલર દીપેશ દેવેન્દ્રનના 36 રન ટીમમાં હાઇએસ્ટ હતા. આ ભારતીય પેસ બોલરે ટૂંકી ઇનિંગ્સમાં પાકિસ્તાન (Pakistan)બોલર્સની બોલિંગ ચીંથરેહાલ કરી હતી. તેણે આ 36 રન માત્ર 16 બૉલમાં બે સિક્સર અને છ ફોરની મદદથી કર્યા હતા. ટૂંકમાં, તેણે તમામ 36 રન છગ્ગા-ચોક્કામાં બનાવ્યા હતા.

વૈભવની શરૂઆત સારી, પણ પછી…
14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ભારતીય ઇનિંગ્સની શરૂઆત સારી કરી હતી. તેણે 10 બૉલની ટૂંકી ઇનિંગ્સમાં ત્રણ સિક્સર અને એક ફોર ફટકારી હતી. તે ધીરજથી રમ્યો હોત તો ટીમને સારું ઓપનિંગ આપી શક્યો હોત અને પછીના બૅટ્સમેનો પણ ઉપયોગી યોગદાન આપી શક્યા હોત. જોકે તેના ઉપરાંત સાથી ઓપનર અને કૅપ્ટન આયુષ મ્હાત્રે (બે રન) પણ સારું નહોતો રમી શક્યો.
પટેલ અટકવાળા બે બોલરની બે-બે વિકેટ
ભારતે 348 રનના તોતિંગ લક્ષ્યાંક સામે માત્ર 59 રનમાં પહેલી ચાર વિકેટ ગુમાવી હતી. આરૉન જ્યોર્જ (16 રન) અને વિહાન મલ્હોત્રા (સાત રન)ની વિકેટ પણ સસ્તામાં પડી ગઈ હતી. પાકિસ્તાન વતી પેસ બોલર અલી રઝાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. એ પહેલાં, ભારતે બૅટિંગ આપ્યા બાદ પાકિસ્તાને આઠ વિકેટે જે 347 રન કર્યા હતા એમાં ઓપનર સમીર મિન્હાસ (172 રન, 113 બૉલ, નવ સિક્સર, સત્તર ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. ભારતીય બોલર્સમાંથી દીપેશ દેવેન્દ્રને ત્રણ વિકેટ તેમ જ ગુજરાતના ખિલન પટેલ અને હેનિલ પટેલે બે-બે વિકેટ લીધી હતી.
આ પણ વાંચો…અંડર-19 એશિયા કપ ફાઇનલ: આયુષ મ્હાત્રે અને અલી રઝા વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલ; જુઓ વિડીયો



