દક્ષિણ આફ્રિકા જનારી ટીમની જાહેરાત સાથે બોર્ડે આ ક્રિકેટરોને આપી દીધો સંન્યાસ…
નવી દિલ્હી: ગુરુવારે દિલ્હીમાં યોજાયેલી ક્રિકેટરોની પસંદગીની બેઠક બાદ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રવાસ પર ભારતે દક્ષિણ આફ્રિકાના સામે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે.
જેમાં સૂર્યકુમાર યાદવ આ પ્રવાસમાં T20 ટીમનું નેતૃત્વ કરશે, કેએલ રાહુલને ODI ટીમની જવાબદારી સોંપવામાં આવી છે. અને રોહિત શર્માને ટેસ્ટ સિરીઝમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જે બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-2025નો એક ભાગ હશે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં કેટલાક નવા અને યુવા ચહેરાઓને તક આપવામાં આવી છે, તો કેટલાક સિનિયર ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું નથી.
BCCI અને ટીમની પસંદગી કરનારી ટીમને ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે અને ઉમેશ યાદવ જેવા સિનિયર ખેલાડીઓને દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં જવાની અનુમતિ આપી નથી. રહાણે અને પૂજારા 35 વર્ષના છે. ત્યારે પસંદગીકારોએ યુવા બેટ્સમેનોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પૂજારા અને રહાણેની જોડીએ 188 ટેસ્ટ રમી છે અને બંનેએ 12,272 રન બનાવ્યા છે.
જો કે ચેતેશ્વર પુજારાને ટીમમાં સ્થાન નહી મળે તે અગાઉથી જ નક્કી હતી. ચેતેશ્વર પૂજારા છેલ્લા કેટલાક સમયથી રમતમાં કોઇ ખાસ કમાલ બતાવી શક્યો નથી. પુજારાએ 2022ના અંતમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી પરંતુ ત્યારબાદ તે એક રન પણ બનાવી શક્યો નથી. ત્યારબાદ રમાયેલી દસ મેચોમાં 211 રન બનાવ્યા જેમાં તે માત્ર એક જ વાર 50થી વધુ રન બનાવી શક્યો હતો.
તોમજ રહાણેએ પણ સ્થાનિક સ્તરે સારું પ્રદર્શન કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવી હતી અને તેણે ફાઇનલમાં 89 રનની ઇનિંગ રમી હતી. જો કે ત્યારબાદ રમાયેલી મેચોમાં રહાણે ખાસ કોઇ પ્રદર્શન કરી શક્યો નહોતો.
BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે રહાણે અને પૂજારાની જગ્યા એ હવે રાહુલ અને અય્યરને લેવામાં આવશે. તેમજ ગિલ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે અને યશસ્વી જયસ્વાલને વધુ એક તક મળશે. આ ઉપરાંત ઉમેશ યાદવને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી કારણકે ભારત પાસે બીજા ઘણા ફાસ્ટ બોલરો છે.