કૅપ્ટન બન્યા પછી ગિલ પહેલી વાર રોહિતને મળ્યો, કોહલીએ કર્યું આવું વેલકમ…
સ્પોર્ટસ

કૅપ્ટન બન્યા પછી ગિલ પહેલી વાર રોહિતને મળ્યો, કોહલીએ કર્યું આવું વેલકમ…

નવી દિલ્હીઃ વિરાટ કોહલી બાદ રાબેતા મુજબના ધોરણે રોહિત શર્માએ ટેસ્ટ ટીમનું સુકાન સંભાળ્યું હતું અને હવે આ બન્ને દિગ્ગજો ટેસ્ટમાંથી નિવૃત્ત થઈ ગયા છે ત્યારે શુભમન ગિલ (Gill)ને ટેસ્ટ ટીમનું નેતૃત્વ સોંપાયા બાદ તેમની જ હાજરીમાં વન-ડેની કૅપ્ટન્સી પણ સોંપવામાં આવી છે.

એટલે ટીમમાં તેનું (ગિલનું) વજન વધી ગયું છે અને એ સ્થિતિમાં ગિલ પહેલી વાર રોહિત શર્મા (Rohit Sharma) તથા વિરાટ કોહલી (Virat Kohli)ને મળે ત્યારે એકમેક વચ્ચે કેવી પ્રતિક્રિયા જોવા મળે એ જાણવા સૌ કોઈ આતુર હોય. તો, આવો જાણીએ બધા વચ્ચે કેવી પ્રતિક્રિયાની આપ-લે થઈ.

https://twitter.com/BCCI/status/1978392909226365381

ગિલના સુકાનમાં ભારતીય વન-ડે ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જવા રવાના થઈ છે ત્યારે ગિલનો રોહિત તેમ જ કોહલી સાથેની મુલાકાતનો વીડિયો બીસીસીઆઇએ પોસ્ટ કર્યો છે. આ ઐતિહાસિક મુલાકાતના ફોટો પણ જોવા જેવા છે.

ગિલના સુકાનમાં ભારતની પ્રથમ ટેસ્ટ સિરીઝ ઇંગ્લૅન્ડ સામે રમાઈ હતી જે 2-2થી ડ્રૉમાં ગઈ હતી, પણ મંગળવારે ગિલની કૅપ્ટન્સીમાં ભારતીય ટેસ્ટ ટીમે પહેલી વાર ટ્રોફી જીતી લીધી હતી અને વેસ્ટ ઇન્ડિઝ સામેના 2-0ના વાઇટવૉશ બાદ ગિલ હવે વન-ડેના નવા સુકાની તરીકે સફળતા મેળવવા રોહિત તથા વિરાટ જેવા મહારથીઓ અને સૌથી અનુભવી ખેલાડીઓ સાથે કાંગારું-લૅન્ડના પ્રવાસે ગયો છે.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મૅચની વન-ડે શ્રેણી 19મી ઑક્ટોબરે શરૂ થશે. ભારતની વન-ડે સ્ક્વૉડનો પ્રથમ બૅચ મંગળવારે દિલ્હીથી રવાના થયો હતો. એ પહેલાં ટીમની હોટેલમાં ગિલની મુલાકાત વન-ડે સુકાની બન્યા બાદ પહેલી જ વાર રોહિત શર્મા સાથે થઈ ત્યારે સૌથી પહેલાં તો રોહિતે ગિલને ગળે લગાડ્યો હતો.

રોહિત કોઈક રીતે વ્યસ્ત હતો. ગિલે તેની પીઠ પર હાથ મૂક્યો ત્યાર બાદ સૌથી પહેલાં તો બન્ને હસ્યા હતા અને એકમેકને ભેટ્યા હતા. ટીમની બસમાં ગિલ ગયો ત્યારે આગળ બેઠેલા વિરાટ કોહલીને મળ્યો હતો. વિરાટે ગિલને ખૂબ સ્નેહપૂર્વક અભિનંદન આપ્યા હતા અને તેની પીઠ થાબડીને તેને શાબાશી પણ આપી હતી.

રોહિત અને વિરાટ ભારત વતી છેલ્લે માર્ચ, 2025માં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યા હતા. ત્યારે રોહિતના સુકાનમાં ભારત ચૅમ્પિયન બન્યું હતું.

આ પણ વાંચો…ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા જવા રવાના થઇ; વિરાટ-રોહિતને જોવા એરપોર્ટ પર ચાહકોની ભીડ ઉમટી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button