સ્પોર્ટસ

Paris Olympics: ભારતની ત્રણ સફળ તીરંદાજમાં એક છે મમ્મી, બીજી દૂધવાળાની દીકરી અને ત્રીજી ખેડૂતપુત્રી

પૅરિસ: ફ્રાન્સની રાજધાની પૅરિસમાં શુક્રવારે યાદગાર બની રહેનારી ઐતિહાસિક ઓપનિંગ સેરેમની પહેલાં જ શરૂ થયેલી અમુક સ્પર્ધાઓમાંથી એક ઇવેન્ટ તીરંદાજીની છે જેમાં ગુરુવારે ત્રણ મહિલા તીરંદાજો દીપિકા કુમારી, અંકિતા ભકત અને ભજન કૌરે ભારતને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચાડીને પહેલા જ દિવસે મેડલની આશા અપાવી હતી.

ભારતીય આર્ચરી ટીમે 1,983 પૉઇન્ટ સાથે ચોથું સ્થાન મેળવ્યું હતું અને ક્વૉર્ટરમાં સ્થાન પાક્કું કરી લીધું હતું.

આ ત્રણ મહિલા તીરંદાજોના અંગત જીવનની વાતો જાણવા જેવી અને યુવા વર્ગ માટે પ્રેરણાત્મક છે.

29 વર્ષની દીપિકા કુમારી ઝારખંડના રાંચી શહેરની છે. તે તીરંદાજીની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન મહિલા ઍથ્લીટ છે અને તીરંદાજીમાં અનેક નાના-મોટા ચંદ્રક જીતી ચૂકી છે. તે દોઢ વર્ષની પુત્રી વેદિકાને ઘરે પરિવારજનો પાસે મૂકીને પૅરિસ આવી છે. તે દરરોજ દીકરીને ખૂબ યાદ કરે છે, પરંતુ પોતાના માટે તેમ જ દેશ માટે તીરંદાજીનો ઐતિહાસિક ઑલિમ્પિક મેડલ જીતવો પણ ખૂબ જરૂરી છે એવું માનીને તે પર્ફોર્મ કરવા પર તેમ જ પ્રૅક્ટિસ પર ધ્યાન કેન્દ્રીત કરે છે. દીપિકાએ ભારતીય તીરંદાજ અતાનુ દાસ સાથે લગ્ન કર્યા છે. અતાનુ પણ દીપિકાની જેમ અગાઉ ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂક્યો છે.

આ પણ વાંચો : ઑલિમ્પિક્સમાં ભારતીય મહિલા તીરંદાજોનું શરૂઆતમાં જ અચૂક નિશાન, ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ

પૅરિસમાં ટૅલન્ટ સાથે નસીબ અજમાવવા આવેલી ભારતની બીજી તીરંદાજ પશ્ર્ચિમ બંગાળની અંકિતા ભકત છે જે 26 વર્ષની છે. તેના પિતા શાંતનુ ભકત દૂધનો ધંધો કરે છે. અંકિતાએ નાનપણથી પરિવારની સાધારણ સ્થિતિને કારણે ખૂબ સંઘર્ષ કરીને તીરંદાજીમાં કરીઅર બનાવવાની શરૂઆત કરી હતી. તેનો જન્મ કોલકાતામાં થયો હતો. તે 10 વર્ષની હતી ત્યારે તીરંદાજીની એક સ્થાનિક ટૂર્નામેન્ટ જોવા ઊભી રહી ગઈ હતી અને ત્યારથી તેને પણ તીરંદાજ બનવાની તીવ્ર ઇચ્છા થઈ હતી. પછીથી તે કોલકાતા આર્ચરી ક્લબમાં જોડાઈ હતી અને 14 વર્ષની થઈ ત્યારે જમશેદપુરમાં ટાટા આર્ચરી ઍકેડેમીમાં જોડાઈ હતી. આ ઍકેડેમીમાં દેશના ટોચના કોચ પાસે આર્ચરીની તાલીમ લેનાર અંકિતા 2017માં વર્લ્ડ યુથ આર્ચરી ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી હતી તેમ જ એશિયન ગેમ્સમાં તે બ્રૉન્ઝ મેડલ જીતી ચૂકી છે.

હરિયાણાની 19 વર્ષની તીરંદાજ ભજન કૌર ખેડૂતની પુત્રી છે. તેના પિતા ભગવાન સિંહ ખેડૂત તરીકેનું કામ કરે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર ઘણા ચંદ્રકો જીતી ચૂકેલી ટીનેજર ભજન કૌર આર્થિક મુશ્કેલીનો સામનો કરીને ઑલિમ્પિક્સના સૌથી ઊંચા સ્તર સુધી પહોંચી છે. તે તીરંદાજીની રમત પ્રત્યેની સમર્પિતતા, અથાક મહેનત અને એકાગ્રતાથી ઘણી ટૂર્નામેન્ટોમાં ગોલ્ડ, સિલ્વર, બ્રૉન્ઝ મેડલ જીતી છે. 2022ની એશિયન ગેમ્સમાં તેમ જ એશિયન આર્ચરી ચૅમ્પિયનશિપના બ્રૉન્ઝ મેડલ તેની સૌથી મોટી સફળતાઓ છે. 2021માં તેણે જમશેદપુરની ટાટા આર્ચરી ઍકેડેમીમાં તાલીમ લીધી હતી.
કેન્દ્ર સરકારની ટાર્ગેટ ઑલિમ્પિક પૉડિયમ સ્કીમ (ટૉપ્સ) હેઠળ ભજન કૌર લાખો રૂપિયાની આર્થિક સહાય મેળવી ચૂકી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button