Indian team for 5th Test: ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડી બહાર
નવી દિલ્હી: ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝની પાંચમી અને છેલી મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટેસ્ટ મેચ 7 માર્ચથી હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રમાશે. ભારતીય ટીમ સિરીઝ પર 3-1ની અજય લીડ મેળવી લીધી છે, છતાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ માટે પોઈન્ટ્સ સુધરવા ટીમ જીતના ઈરાદા સાથે મેદાને ઉતરશે. સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલને પાંચમી ટેસ્ટ માટે પણ ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો છે. જયારે ચોથી ટેસ્ટ મેચ ન રમનાર જસપ્રીત બુમરાહને ફરી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે વોશિંગ્ટન સુંદરને રણજી રમવા માટે ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.
5મી ટેસ્ટ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (C), જસપ્રિત બુમરાહ (VC), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (WK), કે એસ ભરત (WK), દેવદત્ત પડિકલ, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મો. સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.
BCCIએ એક નિવેદનમાં જણાવ્યું કે “કેએલ રાહુલને પાંચમી અને અંતિમ ધર્મશાલા ટેસ્ટમાંથી પણ બહાર રાખવામાં આવ્યો છે. BCCIની તબીબી ટીમ તેની દેખરેખ રાખી રહી છે અને લંડનના નિષ્ણાતો સાથે વાતચીત કરી રહી છે. બુમરાહ 5મી ટેસ્ટ માટે ધરમશાલામાં ટીમ સાથે જોડાશે. આ સિવાય વોશિંગ્ટન સુંદરને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તે 2 માર્ચ, 2024થી મુંબઈ સામે શરૂ થનારી રણજી ટ્રોફી સેમિફાઇનલ મેચ માટે તમિલનાડુ તરફથી રમશે. જો જરૂર પડશે તો તે રણજી મેચો પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ સાથે જોડાશે.”
BCCIએ પ્રેસ રિલીઝમાં શમી વિશે અપડેટ પણ આપ્યું છે. BCCIએ લખ્યું છે કે, “શમીની 26 ફેબ્રુઆરી, 2024 ના રોજ સફળતાપૂર્વક સર્જરી થઈ છે. તે હવે સ્વસ્થ થઈ રહ્યો છે. તે તેના રિહેબિલિટેશનની પ્રક્રિયા શરૂ કરવા માટે ટૂંક સમયમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જશે.”