
ગુમી (સાઉથ કોરિયા) : ભારતના ઍથ્લીટોએ અહીં એશિયન ઍથ્લેટિક્સ (Asian Athletics) ચૅમ્પિયનશિપમાં કુલ 24 ચંદ્રક જીતીને દેશનું નામ રોશન કર્યું છે. શનિવારના છેલ્લા દિવસે ભારત (INDIA)ને એકેય ગોલ્ડ મેડલ નહોતો મળ્યો, પરંતુ કુલ આઠ ગોલ્ડ જીતીને ભારતીયોએ અગાઉનો પોતાનો છ ગોલ્ડનો વિક્રમ તોડ્યો છે.
એકંદરે ભારતે 24 મેડલ સાથે ચીન પછી બીજું સ્થાન મેળવ્યું છે. ભારતના 24 મેડલમાં આઠ ગોલ્ડ, દસ સિલ્વર અને છ બ્રૉન્ઝનો સમાવેશ છે. ચીનના ખાતે કુલ 19 ગોલ્ડ સહિત કુલ 32 મેડલ છે જેમાં નવ સિલ્વર તથા ચાર બ્રૉન્ઝ સામેલ છે.
જાપાનના નામે પાંચ ગોલ્ડ, બાર સિલ્વર, અગિયાર બ્રૉન્ઝ સહિત કુલ 28 મેડલ હતા. કઝાખસ્તાન ત્રણ ગોલ્ડ સહિત કુલ છ મેડલ સાથે ચોથા નંબરે અને કતાર ત્રણ સુવર્ણ સહિત કુલ છ ચંદ્રક સાથે પાંચમા નંબરે હતું. કોરિયા (કુલ ચાર મેડલ) અને ઇરાન (કુલ ત્રણ મેડલ) જેવા ધરખમ દેશો પણ ભારતથી ઘણા પાછળ રહી ગયા હતા.
ભારતીય ઍથ્લીટોમાંથી કેટલાકે નવા રાષ્ટ્રીય વિક્રમ નોંધાવ્યા હતા તો અમુક ઍથ્લીટે પોતાનો નવો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ બતાવ્યો હતો.
આપણ વાંચો: મુંબઈનું છઠ્ઠું ટાઇટલ કે આઇપીએલને મળશે નવું ચૅમ્પિયન?
મહિલાઓની 5,000 મીટર દોડમાં ભારતની પારુલ ચૌધરી સિલ્વર જીતી હતી. અગાઉ તે 3,000 વિઘ્નદોડમાં પણ રજત જીતી હતી.
ભાલાફેંકમાં સચિન યાદવ ભાલો 85.16 મીટર દૂર ફેંકીને સિલ્વર જીત્યો હતો. પાકિસ્તાનનો અર્શદ નદીમ 86.40 મીટરના અંતર સાથે પ્રથમ આવીને ગોલ્ડ જીત્યો હતો.