ભારત 445 રને ઑલઆઉટ, નવોદિત ધ્રુવ જુરેલ અને પીઢ ખેલાડી અશ્વિનની 77ની ભાગીદારી

રાજકોટ: ઇંગ્લૅન્ડ સામે પાંચ ટેસ્ટવાળી સિરીઝમાં 1-1ની બરાબરીમાં રહ્યા પછી અહીં શરૂ થયેલી ત્રીજી મૅચના બીજા દિવસે ભારતનો પહેલો દાવ 445 રને પૂરો થયો હતો. ગુરુવારના પહેલા દિવસે રોહિત શર્મા (131) અને રવીન્દ્ર જાડેજા (112)ની દમદાર સદી અને બન્ને વચ્ચેની ચોથી વિકેટ માટેની 204 રનની બહુમૂલ્ય ભાગીદારી તેમ જ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર મુંબઈના બૅટર સરફરાઝ ખાન (62 રન)ની ધમાકેદાર ઇનિંગ્સે સૌથી વધુ આકર્ષણ જમાવ્યું હતું તો શુક્રવારના બીજા દિવસે નવોદિત વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલ (46 રન, 104 બૉલ, 143 મિનિટ, ત્રણ સિક્સર, બે ફોર) તેમ જ પીઢ સ્પિનિંગ-ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિન (37 રન, 89 બૉલ, 124 મિનિટ, છ ફોર) વચ્ચેની આઠમી વિકેટ માટેની 77 રનની પાર્ટનરશિપે હરીફ ખેલાડીઓને નાકે દમ લાવી દીધો હતો.
ભારત પાંચ વિકેટે બનેલા 326 રનના સ્કોર પરથી દાવની ફરી શરૂઆત કરી હતી અને જાડેજા સાથે નાઇટ-વૉચમૅન કુલદીપ યાદવ રમી રહ્યો હતો. જોકે બન્ને બૅટર રમતની શરૂઆતમાં જ આઉટ થઈ ગયા હતા. જાડેજાને જો રૂટે પોતાના જ બૉલ પર કૅચઆઉટ કર્યો હતો. 331 રનના સ્કોર પર બન્ને બૅટર આઉટ થયા પછી જુરેલ-અશ્વિનની જોડીએ બાજી સંભાળી હતી અને વધુ ધબડકો અટકાવ્યો હતો.
પેસ બોલર માર્ક વૂડ ઇંગ્લિશ બોલરોમાં સૌથી સફળ રહ્યો હતો. તેણે 114 રનમાં ચાર વિકેટ લીધી હતી. ચોથી ટેસ્ટ રમી રહેલા ટીનેજ સ્પિનર રેહાન અહમદે બે તેમ જ જો રૂટ, જેમ્સ ઍન્ડરસન અને ટૉમ હાર્ટલીએ એક-એક વિકેટ લીધી હતી.