સ્પોર્ટસ

પૅરિસ પૅરાલિમ્પિક્સ પહેલાં જ ભારતને લાગ્યા ઝટકા…ત્રણ ઍથ્લીટ ડોપ ટેસ્ટમાં ફેલ

નવી દિલ્હી: દર ચાર વર્ષે સમર ઑલિમ્પિક ગેમ્સ યોજાઈ જાય ત્યાર પછી થોડા દિવસ બાદ એ જ સ્થળે દિવ્યાંગ ઍથ્લીટો માટેની પૅરાલિમ્પિક ગેમ્સ યોજાય છે. સામાન્ય રીતે ભારતીયોનો પફોમર્ર્ન્સ સમર ઑલિમ્પિક્સ કરતાં પૅરાલિમ્પિક્સમાં સારો પર્ફોર્મન્સ રહેતો હોય છે. જોકે આ વખતે ભારત માટે અત્યારથી જ ઘેરી નિરાશાની સ્થિતિ છે. મધ્ય પ્રદેશના ત્રણ દિવ્યાંગ ઍથ્લીટ ડોપ ટેસ્ટમાં ફેલ થયા છે.

પૅરિસમાં 11મી ઑગસ્ટે સમર ઑલિમ્પિક્સનું સમાપન થશે ત્યાર પછી 28મી ઑગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી પૅરાલિમ્પિક્સ ચાલશે.

નૅશનલ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (નાડા)ના એક અહેવાલ મુજબ પૅરિસ પૅરાલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થયેલા મધ્ય પ્રદેશનાં ત્રણ ઍથ્લીટ શાલિની, રજની ઝા તથા ગજેન્દ્રસિંહ ડ્રગ્સ સંબંધિત ડોપ-ટેસ્ટમાં ફેલ થયા છે. નાડાના રિપોર્ટમાં આ ત્રણ ઍથ્લીટના ડોપિંગના કિસ્સા બહાર આવ્યા છે.

શાલિની ડિસ્ક થ્રોની ઍથ્લીટ છે અને એશિયન સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે. તે પૅરિસ પૅરાલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થઈ હતી. તેનો ડોપ-ટેસ્ટનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેણે આ પરીક્ષણ માટે યુરિનના સૅમ્પલ આપ્યા હતા એમાં મૅટાંડિએનૉન મૅટાબોલાઇટ નામનું પ્રતિબંધિત તત્વ હોવાનું તપાસકારોને જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : પેરિસ ઑલિમ્પિકસ શરૂ થતા પહેલા જ મચ્યો બબાલ!

પૅરાલિમ્પિક્સમાં મહિલાઓની બોટ સ્પર્ધામાં ભારતની રજની ઝા પણ ભાગ લેવાની હતી, પરંતુ તેના સૅમ્પલ્સમાં મિથાઇલ ટેસ્ટોસ્ટેરોન મૅટાબોલાઇટ્સના તત્વો હોવાનું જાણવા મળ્યું છે. ગજેન્દ્રસિંહ પણ બોટ સ્પર્ધામાં ભાગ લેવાનો હતો, પરંતુ તેનો 19-નૉરેન્ડ્રોસ્ટેરોન માટેની ટેસ્ટનો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

ભારતીય ઍથ્લીટોના પરીક્ષણમાં આ જે પણ પદાર્થ હોવાનું જણાયું છે એ પ્રતિબંધિત છે.

આ ત્રણ ઍથ્લીટોના સંબંધીઓએ જણાવ્યું છે કે તેઓ પૅરાલિમ્પિક્સમાં ભાગ લેવા પરના પ્રતિબંધ સામે અપીલમાં જશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button