સ્પોર્ટસ

જુલાઈમાં ભારત-પાકિસ્તાનની મહિલા ક્રિકેટરો વચ્ચે ટી-20માં બે ટક્કર થઈ શકે

દામ્બુલા: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેન્સ ક્રિકેટ મૅચ તો ક્રિકેટજગતની સર્વશ્રેષ્ઠ હાઈ વૉલ્ટેજ મુકાબલા તરીકે જાણીતી છે જ, હવે તો મહિલા ક્રિકેટ વધુને વધુ લોકપ્રિય થઈ રહી હોવાથી એમાં પણ બન્ને દેશની વિમેન્સ ટીમ વચ્ચેની ટક્કર આકર્ષણનું કેન્દ્ર બની શકે.

આગામી જુલાઈ મહિનામાં ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટરો વચ્ચે એક મુકાબલો તો થવાનો જ છે, બીજી ટક્કર પણ શક્ય છે.

19થી 28 જુલાઈ દરમ્યાન શ્રીલંકાના દામ્બુલામાં વિમેન્સ એશિયા કપ ટૂર્નામેન્ટ રમાશે. આ ટી-20 સ્પર્ધામાં કુલ આઠ ટીમ ભાગ લેશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રૂપમાં હોવાથી બન્ને ટીમ વચ્ચે (21મી જુલાઈએ) ગ્રૂપ-સ્ટેજની એક ટક્કર તો પાકી છે જ, આ બેઉ ટીમ પોતાના ગ્રૂપમાંથી સેમિ ફાઇનલમાં જશે અને જો પોતપોતાની સેમિ ફાઇનલ જીતી જશે તો ફરી આ જ બે દેશ વચ્ચે (28મી જુલાઈએ) જંગ થશે.

આપણ વાંચો: યજમાન અમેરિકા ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનના ગ્રુપમાં

ગ્રૂપ-એમાં ભારત અને પાકિસ્તાનની સાથે યુએઇ અને નેપાળ પણ છે. ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઈલૅન્ડ અને મલેશિયા છે. બન્ને ગ્રૂપમાંથી ટોચની બે-બે ટીમ સેમિ ફાઇનલમાં જશે. બે સેમિ ફાઇનલ મુકાબલા 26મી જુલાઈએ થશે અને એમાં જીતનારી ટીમ વચ્ચે 28મી જુલાઈએ ફાઇનલ રમાશે.

આ ટૂર્નામેન્ટ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના બૅનર હેઠળ રમાશે.
અગાઉ 2022માં રમાયેલી આ સ્પર્ધાની માફક આ વખતે પણ આખી સ્પર્ધામાં માત્ર મહિલા અમ્પાયરો હશે.
ભારત મહિલાઓની એશિયા કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને ભારત સૌથી વધુ સાત ટાઇટલ જીત્યું છે.

વિમેન્સ એશિયા કપ 2024નું શેડ્યૂલ

19 જુલાઈ: ભારત વિરુદ્ધ યુએઇ, પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ
20 જુલાઈ: મલેશિયા વિરુદ્ધ થાઇલૅન્ડ, શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ
21 જુલાઈ: ભારત વિરુદ્ધ પાકિસ્તાન, નેપાળ વિરુદ્ધ યુએઇ
22 જુલાઈ: શ્રીલંકા વિરુદ્ધ મલેશિયા, બાંગ્લાદેશ વિરુદ્ધ થાઇલૅન્ડ્ર
23 જુલાઈ: ભારત વિરુદ્ધ નેપાળ, પાકિસ્તાન વિરુદ્ધ યુએઇ
24 જુલાઈ: બાંગ્લાદેશ વિરુદ્ધ મલેશિયા, શ્રીલંકા વિરુદ્ધ થાઇલૅન્ડ
26 જુલાઈ: બન્ને સેમિ ફાઇનલ
28 જુલાઈ: ફાઇનલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button