ભારત છેલ્લી ઘડીએ પાકિસ્તાન સામે રમવાની ના પાડી દે તો પણ સુપર-ફોરમાં પહોંચી શકે? | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ભારત છેલ્લી ઘડીએ પાકિસ્તાન સામે રમવાની ના પાડી દે તો પણ સુપર-ફોરમાં પહોંચી શકે?

દુબઈઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના સમયપત્રક પ્રમાણે દુબઈ (Dubai)માં આજે સાંજે 7.30 વાગ્યે ટૉસ થયા બાદ રાત્રે 8.00 વાગ્યે ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે એશિયા કપનો મુકાબલો શરૂ થવાનો છે, પરંતુ આ મૅચ સામે ભારતમાં ઘણા વર્ગોમાં નારાજગી છે અને અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે તેમ જ ટીવી તથા ઑનલાઇન પ્લૅટફૉર્મ પર આ મૅચ ન જોવી એવી હાકલ પણ કરવામાં આવી રહી છે.

પાકિસ્તાન સામેના મુકાબલાનો બહિષ્કાર કરવાની માગણીઓ વચ્ચે જો છેલ્લી ઘડીએ (મૅચની થોડી વાર પહેલાં) ભારતીય ટીમ આ મૅચ રમવાની ના પાડી દે તો પણ શું ભારત સુપર-ફોર રાઉન્ડમાં પહોંચી શકે? એવી ચર્ચા થઈ રહી છે. તો આવો, જાણીએ શું થઈ શકે…

એશિયા કપમાં લીગ રાઉન્ડ ચાલી રહ્યો છે. ગ્રૂપ ` એ’માં ભારત અને પાકિસ્તાન પોતપોતાની એક-એક લીગ મૅચ જીતી ચૂક્યા છે. ભારતે યુએઇને નવ વિકેટે અને પાકિસ્તાને ઓમાનને 93 રનથી હરાવ્યું હતું. આ ગ્રૂપમાં ભારત બે પૉઇન્ટ અને 10.483ના રનરેટ સાથે મોખરે છે. જો ભારત છેલ્લી ઘડીએ આજે પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરે તો પણ સુપર-ફોરમાં જઈ શકે.

આપણ વાંચો: WCL 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ; આ ભારતીય ખેલાડીઓએ રમવાનો ઇનકાર કર્યો

વાત એવી છે કે સુપર-ફોરમાં જવા માટે ભારતે ત્રણમાંથી બે લીગ મુકાબલા જીતવા પડે. યુએઇ સામે ભારત જીતી ચૂક્યું છે. પાકિસ્તાન સામે ભારત ન રમે તો પણ પછીથી ઓમાનને હરાવીને સુપર-ફોરમાં જઈ શકે. સુપર-ફોરમાં ગ્રૂપ ` એ’માંથી બે ટીમ જશે એટલે ભારત ઉપરાંત પાકિસ્તાનની પણ એમાં પહોંચવાની સંભાવના છે.

સુપર-ફોરમાં ફરી એક વાર ભારત અને પાકિસ્તાન સામસામે આવી શકે. જો ભારત આજે એની સામે રમવાની ના પાડે તો પણ સુપર-ફોરમાં એની સામે રમવું જ પડે, કારણકે ફાઇનલમાં પહોંચવા માટે સુપર-ફોરમાં પાકિસ્તાન સામે રમવું ભારત માટે અત્યંત જરૂરી બનશે.

બધુ સેટ થઈ ગયું છે અને આક્રમણ માટે ટીમ ઇન્ડિયા તૈયાર છે' એવા અર્થમાં બીસીસીઆઇએ એક્સ’ પર વીડિયો શૅર કર્યો છે જેમાં ભારતીય ખેલાડીઓને ભરપૂર પ્રૅક્ટિસ કરતા બતાવાયા છે.

ભારત સરકારે બહુરાષ્ટ્રીય સ્પર્ધા વિશેના આઇસીસીના નિયમોને ધ્યાનમાં રાખીને જ બીસીસીઆઇને એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવાની મંજૂરી આપી છે અને ભારત સહિત તમામ ક્રિકેટ બોર્ડની તૈયારી પછી જ યુએઇમાં એશિયા કપ રાખવા માટેનું શેડ્યૂલ તૈયાર કરાયું હતું.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button