પહેલી માર્ચે લાહોરમાં ભારત-પાકિસ્તાનના ક્રિકેટરોની ટક્કર, બીસીસીઆઇએ હજી મંજૂરી નથી આપી
લાહોર: પાકિસ્તાનમાં 1996 પછી પહેલી વાર આઇસીસીની મોટી ટૂર્નામેન્ટનું આયોજન આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં થવાનું છે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી માર્ચે લાહોરમાં મુકાબલો રાખવાનું નક્કી થયું છે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી ભારતીય ટીમને લગતા આયોજનને હજી મંજૂરી નથી મળી. બીસીસીઆઇની મંજૂરી ભારત સરકારના પરવાનગીને આધીન રહેશે. સરહદ પારથી પાકિસ્તાન દ્વારા હજી પણ આતંકવાદીઓને ઉત્તેજન આપવામાં આવી રહ્યું હોવાથી ભારત સરકાર ભારતીય ટીમને લાહોર મોકલવાની છૂટ આપશે એની કોઈ જ સંભાવના નથી.
આઇસીસી કોઈ પણ ક્રિકેટ બોર્ડને પોતાની સરકારની નીતિની વિરુદ્ધમાં જવા માટે દબાણ કરી ન શકે.
2025ના ફેબ્રુઆરી-માર્ચની ચૅમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાવાની છે અને એમાં ભારતની તમામ મૅચો લાહોરમાં રાખવાનું પાકિસ્તાન બોર્ડે નક્કી કર્યું છે.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે થશે ટક્કર, જાણો ક્યારે અને ક્યાં…
2008માં પાકિસ્તાને એશિયા કપનું સંપૂર્ણ સ્તરે આયોજન કર્યું હતું. જોકે એ જ વર્ષમાં મુંબઈ પર આતંકવાદીઓનો હુમલો થયા બાદ ભારતે પોતાની ટીમને ક્યારેય પાકિસ્તાન નથી મોકલી.
મોહસિન નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ છે. તેમને શનિવારે બાર્બેડોઝમાં ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ જોવા આવવાનું આમંત્રણ અપાયું હતું. નકવીએ 15 મૅચનો કાર્યક્રમ બનાવ્યો છે જેમાંથી સાત મૅચ લાહોરમાં, ત્રણ કરાચીમાં અને પાંચ રાવલપિંડીમાં રમાશે.
પાકિસ્તાન બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ચૅમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મૅચ કરાચીમાં રમાશે, જ્યારે બે સેમિ ફાઇનલ અનુક્રમે કરાચી અને રાવલપિંડીમાં રમાશે. ફાઇનલ લાહોરમાં રાખવાનું નક્કી થયું છે. ભારત જો સેમિ ફાઇનલમાં પહોંચશે તો એની એ મૅચ પણ લાહોરમાં રમાશે.
ભારતને ગ્રૂપ-એમાં પાકિસ્તાન, બંગલાદેશ, ન્યૂ ઝીલૅન્ડ સાથે મૂકવામાં આવ્યું છે. ગ્રૂપ-બીમાં ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, અફઘાનિસ્તાનનો સમાવેશ છે.