બિન્ની અને ઇરફાને ભારતને સેમિમાં પહોંચાડ્યું, સચિનને બદલે યુવરાજે સુકાન સંભાળ્યું

રાયપુરઃ અહીં નિવૃત્ત તથા પીઢ ક્રિકેટરો વચ્ચેની ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગ (આઈએમએલ) ટી-20 સ્પર્ધામાં શનિવારે ઇન્ડિયા માસ્ટર્સે વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સને રોમાંચક મુકાબલામાં સાત રનથી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
સચિન ભારતીય ટીમનો મુખ્ય કૅપ્ટન છે, પણ તેણે આરામ કર્યો હતો અને આ મૅચમાં તેના સ્થાને યુવરાજ સિંહે સુકાન સંભાળ્યું હતું અને ભારતને વિજય અપાવ્યો હતો. સ્ટુઅર્ટ બિન્ની (2-0-13-3) તથા ઇરફાન પઠાણ (4-0-47-1) આ મૅચના મુખ્ય બે સ્ટાર હતા.
વેસ્ટ ઇન્ડિઝને ભારતે 254 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને બિન્નીની ત્રણ વિકેટ છતાં તેઓ અંતિમ ઓવરમાં ટાર્ગેટ મેળવી શકે એમ હતા અને છેવટે પરાજિત થયા હતા, કારણકે ઇરફાન પઠાણે મૅચના સેકન્ડ-લાસ્ટ બૉલમાં નરસિંહ દેવનારાયણ (28 રન)ની વિકેટ લઈને કૅરિબિયનોની યોજના ઊંધી વાળી દીધી હતી. નરસિંહ ભારતીય ફીલ્ડર ગુરકીરત સિંહના હાથમાં કૅચઆઉટ થયો હતો.
આપણ વાંચો: બાવન વર્ષના સચિને 64માંથી બાવન રન બાઉન્ડરીઝમાં બનાવ્યા
કૅપ્ટન બ્રાયન લારા ચાર રને અણનમ રહ્યો હતો. ડ્વેઇન સ્મિથ (79 રન, 34 બૉલ, છ સિક્સર, સાત ફોર) તથા વિલિયમ પર્કિન્સ (બાવન રન, 24 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર)ની હાફ સેન્ચુરી એળે ગઈ હતી. ભારત વતી બિન્ની અને ઇરફાન ઉપરાંતના ત્રીજા સફળ બોલર પવન નેગીએ બે વિકેટ લીધી હતી.
એ પહેલાં, છ દેશ વચ્ચેની આ સ્પર્ધાની ક્વૉર્ટર ફાઇનલ સમાન આ મૅચમાં ઇન્ડિયા માસ્ટર્સે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં ત્રણ વિકેટે 253 રન બનાવ્યા હતા. ઓપનર સૌરભ તિવારી (60 રન, 37 બૉલ, બે સિક્સર, સાત ફોર) અને વિકેટકીપર અંબાતી રાયુડુ (63 રન, 35 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર) વચ્ચે 94 રનની ભાગીદારી થઈ હતી.
ત્યાર બાદ તિવારી અને ગુરકીરત સિંહ (46 રન, 21 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 79 રનની પાર્ટનરશિપ થઈ હતી. યુસુફ પઠાણ 14 રને અણનમ રહ્યો હતો, જ્યારે કાર્યવાહક કૅપ્ટન યુવરાજ સિંહે અણનમ રહેતાં પહેલાં 20 બૉલમાં ત્રણ છગ્ગા અને છ ચોક્કાની મદદથી 49 રન બનાવીને ભારતીય ટીમને 250-પ્લસનો સ્કોર અપાવ્યો હતો.
કૅરિબિયન ટીમમાંથી જેરોમ ટેલર, સુલીમન બેન અને જોનથન કાર્ટરે એક-એક વિકેટ લીધી હતી.
આ સ્પર્ધામાં હજી આટલી લીગ મૅચ રમાવાની બાકી છેઃ શ્રીલંકા-ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડિઝ-સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા.
રવિવાર, 16મી માર્ચે રાયપુરમાં સાંજે 7.30 વાગ્યાથી ફાઇનલ રમાશે.