સ્પોર્ટસ

ટીમ ઇન્ડિયાનો સંપૂર્ણ રકાસઃ છેલ્લી પાંચ વિકેટ નવ બૉલ અને પાંચ રનમાં ગુમાવી

મુલ્લાંપુરઃ સાઉથ આફ્રિકા સામે સિરીઝની પ્રથમ ટી-20 ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી જીતનાર સૂર્યકુમાર યાદવ ઍન્ડ કંપનીનો પંજાબના ન્યૂ ચંડીગઢમાં ગુરુવારે સિરીઝ (Series)ની બીજી ટી-20માં સંપૂર્ણ રકાસ થયો હતો. 214 રનના લક્ષ્યાંક સામે ટીમ ઇન્ડિયા 162 રનના સ્કોર પર ઑલઆઉટ થતાં પ્રવાસી ટીમનો 51 રનથી વિજય થયો હતો અને પાંચ મૅચની સિરીઝ 1-1થી લેવલ થઈ હતી. લડાયક 90 રન કરનાર ક્વિન્ટન ડિકૉકને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

ટીમ ઇન્ડિયા (Team india)ની આ મૅચમાં જબરી નામોશીઓ થઈ. પહેલાં તો સાઉથ આફ્રિકાની ટીમ છેલ્લા 19 બૉલમાં ચાર સિક્સર અને બે ફોરની ફટકાબાજીને લીધે 200 રનનું ટોટલ પાર કરી શકી હતી. ત્યાર બાદ ફરી ફ્લૉપ ગયેલા શુભમન ગિલ (0) સહિત ભારતે ઇનિંગ્સ શરૂ થયાના આરંભમાં જ ધબડકો જોયો હતો, 15મી ઓવરમાં હાર્દિક પંડ્યા (23 બૉલમાં 20 રન)એ જીવતદાન મળ્યા બાદ તરત જ કૅચ આપી દીધો હતો અને અધૂરામાં પૂરું છેલ્લી ક્ષણોમાં ભારતે માત્ર નવ બૉલ અને પાંચ રનમાં અંતિમ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

18મી ઓવરમાં ભારતનો સ્કોર પાંચ વિકેટે 157 રન હતો, પરંતુ 162મા રન સુધીમાં આખરી પાંચ વિકેટ પડી ગઈ હતી. એકમાત્ર તિલક વર્મા (62 રન, 34 બૉલ, પાંચ સિક્સર, બે ફોર)એ લડત આપી હતી. એ પહેલાં, કૅપ્ટન સૂર્યકુમાર (પાંચ રન) પણ નિષ્ફળ ગયો હતો. બાર્ટમૅને ચાર તેમ જ લુન્ગી, યેનસેન, સિપામ્લાએ બે-બે વિકેટ લીધી હતી.

એ અગાઉ, સાઉથ આફ્રિકાના 214 રનમાં સૌથી મોટું યોગદાન ક્વિન્ટન ડિકૉક (90 રન, 46 બૉલ, સાત સિક્સર, પાંચ ફોર)નું હતું. ચપળ વિકેટકીપર જિતેશ શર્માના હાથે તે રનઆઉટ થઈ ગયો હતો. ડૉનોવાન ફરેરા (30 અણનમ, 16 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) અને ડેવિડ મિલરે (20 અણનમ, 12 બૉલ, એક સિક્સર, બે ફોર)ની જોડીએ 53 રનની અતૂટ ભાગીદારી કરી હતી. ચારમાંથી બે વિકેટ વરુણ ચક્રવર્તીએ અને એક વિકેટ અક્ષર પટેલે લીધી છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button