કેબેહા (પોર્ટ એલિઝાબેથ): સાઉથ આફ્રિકાએ અહીં રવિવારે રોમાંચક લો-સ્કોરિંગ ટી-20 મૅચમાં ભારતને (છ બૉલ બાકી રાખીને) ત્રણ વિકેટના માર્જિનથી હરાવીને સિરીઝ 1-1ની બરાબરીમાં લાવી દીધી હતી. સ્પિનર વરુણ ચક્રવર્તી (4-0-17-5)નો કરીઅર-બેસ્ટ તરખાટ લેખે લાગ્યો હોત જો એ પહેલાં ભારતના ટૉપ-ઑર્ડરે જવાબદારીપૂર્વક બૅટિંગ કરીને યજમાન ટીમને પડકારરૂપ લક્ષ્યાંક અપાવ્યો હોત. ભારતીય ટીમ તેમને ફક્ત 125 રનનો ટાર્ગેટ આપી શકી અને તેમણે 19 ઓવરમાં નોંધાવેલા 128/7ના સ્કોર સાથે વિજય હાંસલ કરી લીધો હતો.
Also read: ટૉપ-ઑર્ડર ફરી ફ્લૉપ, બીજી ટી-20માં ભારતના 124/6
આઇપીએલમાં દિલ્હી વતી રમી ચૂકેલો મિડલ-ઑર્ડર બૅટર ટ્રિસ્ટેન સ્ટબ્સ (47 અણનમ, 41 બૉલ, સાત ફોર) ભારત માટે સૌથી મોટી આડખીલી બન્યો હતો. તેને છેલ્લી ઓવર્સમાં કૉએટ્ઝી (19 અણનમ, નવ બૉલ, એક સિક્સર, બે ફોર)નો સારો સાથ મળ્યો હતો. તેમની વચ્ચે 42 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
વરુણે ખાસ કરીને 13મી ઓવરમાં બે બૉલમાં ક્લાસેન અને મિલરની બહુમૂલ્ય વિકેટ લઈને યજમાન ટીમની જીતવાની આશા પર પાણી ફેરવવાની શરૂઆત કરી હતી. સાઉથ આફ્રિકાને સવાસો રનનો લક્ષ્યાંક પણ મોટો લાગ્યો હતો, પરંતુ સ્ટબ્સ-કૉએટ્ઝીની જોડીએ છેવટે સાઉથ આફ્રિકાને વિજય અપાવ્યો હતો. ભારત વતી કુલ છ બોલરે બોલિંગ કરી હતી જેમાં વરુણની પાંચ વિકેટ ઉપરાંત અર્શદીપ સિંહ તથા રવિ બિશ્નોઈને એક-એક વિકેટ મળી હતી. ચોથા નંબરે રમેલો ટ્રિસ્ટેન સ્ટબ્સ ક્રીઝમાં અડીખમ ટકી રહ્યો હતો. અર્શદીપની ત્રીજી ઓવરમાં કૉએટ્ઝીએ છગ્ગો ફટકાર્યો એ સાઉથ આફ્રિકા માટે ટર્નિંગ પૉઇન્ટ હતો.
Also read: ભારત સામેની પહેલી ટેસ્ટમાં આ નવો બૅટર રમશે ઓપનિંગમાં, ઑસ્ટ્રેલિયાએ જાહેર કરી ટીમ…
એ પહેલાં, ભારતે પ્રથમ 15 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ 45મા રને ચોથી વિકેટ ગુમાવી હતી અને ત્યાર બાદ સમયાંતરે વિકેટ ગુમાવ્યા પછી છેવટે સ્કોર 20 ઓવરમાં છ વિકેટે 124 રન રહ્યો હતો. શુક્રવારનો હીરો સંજુ સૅમસન આ મૅચમાં ઝીરોમાં આઉટ થઈ ગયો હતો. શુક્રવારે તે સતત બીજી ટી-20માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બૅટર બન્યો હતો. રવિવારે હાર્દિક પંડ્યાએ 45 બૉલમાં એક સિક્સર અને ચાર ફોરની મદદથી બનાવેલા 39 રન ટીમમાં સૌથી વધુ હતા. અક્ષર પટેલ 27 રન અને તિલક વર્મા 20 રનનો ફાળો આપી શક્યો હતો. ઓપનર અભિષેક શર્મા (4 રન) અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (4 રન) પર બહુ મોટો મદાર હતો, પણ તેઓ ફરી સદંતર ફ્લૉપ ગયા હતા. રિન્કુ સિંહ પણ માત્ર નવ રન બનાવીને વિકેટ ગુમાવી બેઠો હતો.
Also read: મેજર લીગમાં બહુચર્ચિત મેસી અને માયામી ટીમનું શું પરિણામ આવ્યું જાણો છો?
ભારતે આ મૅચમાં શુક્રવારની જ ટીમ યથાવત રાખી હતી. સાઉથ આફ્રિકા વતી માર્કો યેનસેન, જેરાલ્ડ કૉએટ્ઝી, ઍન્ડિલ સિમલેન, કૅપ્ટન એઇડન માર્કરમ અને ઍન્કેબૅયોમ્ઝી પીટરે એક-એક વિકેટ લીધી હતી. અક્ષર પટેલ રનઆઉટ થયો હતો.