સ્પોર્ટસ

92 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઘરઆંગણે ભારતની સૌથી મોટી નામોશી

પહેલી વખત ઘરઆંગણે ટીમ ઇન્ડિયાનો ત્રણ મૅચની સિરીઝમાં વાઇટ-વૉશ

મુંબઈ: ભારતીય ટેસ્ટ-ક્રિકેટરોએ ઘરઆંગણે દેશના 92 વર્ષના ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ખરાબ પર્ફોર્મ કર્યું છે. રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ ત્રીજી અને છેલ્લી ટેસ્ટ માત્ર પચીસ રનના તફાવતથી હારી ગઈ એ સાથે ન્યૂ ઝીલૅન્ડને ભારત સામે 3-0થી વાઇટ-વૉશ સાથે નવો ઇતિહાસ રચવામાં સફળતા મળી ગઈ.

ટીમ ઇન્ડિયા મૅચના ત્રીજા દિવસે 121 રને ઑલઆઉટ થઈ જતાં માત્ર 147 રનનો લક્ષ્યાંક મેળવવામાં પણ નિષ્ફળ રહી હતી. આઇપીએલની ટી-20 મૅચોમાં રનના ઢગલો કરવામાં માહિર અને ટી-20 વર્લ્ડ કપ જીતી ચૂકેલા આપણા બૅટર્સ વાનખેડેમાં ટી-20 જેટલો ટાર્ગેટ મેળવવામાં અસફળ રહ્યા.

ભારતે 1932માં ટેસ્ટ-ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને 92 વર્ષના ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં ભારતનો ઘરઆંગણે ત્રણ ટેસ્ટ કે વધુ ટેસ્ટની શ્રેણીમાં વાઇટ-વૉશ થયો હોય એવું પહેલી જ વાર બન્યું છે. બીજી બાજુ, ન્યૂ ઝીલૅન્ડ પહેલી જ વાર ટેસ્ટ-સિરીઝમાં ત્રણ મૅચ જીત્યું છે.

આપણ વાંચો: IND vs NZ: ટેસ્ટમાં હાર છતાં જાડેજાએ કર્યું આ મોટું કારનામું, બન્યો માત્ર બીજો ભારતીય બોલર

ભારતને અહીં વાનખેડેમાં 147 રનનો સાવ સાધારણ લક્ષ્યાંક પણ પહેલેથી મોટો લાગ્યો હતો. રોહિત શર્મા સહિતનો ટોપ ઑર્ડર ફરી ફ્લોપ ગયો હતો. રિષભ પંત (64 રન, 57 બૉલ, 84 મિનિટ, એક સિક્સર, નવ ફોર) વિવાદાસ્પદ સંજોગોમાં કૅચઆઉટ અપાયો એ પહેલાં એકલા હાથે લડ્યો હતો.

ભારતે પહેલી 7.1 ઓવરમાં ફક્ત 29 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પણ પંત અને રવીન્દ્ર જાડેજા (બાવીસ બૉલમાં છ રન) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 42 રનની ભાગીદારી થઈ હતી જે સોળમી ઓવરમાં તૂટી હતી.

એ પહેલાં, કેપ્ટન રોહિત શર્મા (11 બોલમાં 11 રન)એ ફરી અસંખ્ય ચાહકોને નિરાશ કર્યા હતા. તે ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. પેસ બોલર મેટ હેન્રીના બૉલમાં ગ્લેન ફિલિપ્સે મિડ-વિકેટ પરથી દોડી આવીને તેનો સુંદર કૅચ પકડ્યો હતો.

રોહિત સતતપણે નિષ્ફ્ળ જઈ રહ્યો છે. તે આઉટ થયા બાદ બીજી જ ઓવરમાં શુભમન ગિલ (ચાર બોલમાં એક રન) વિકેટ ગુમાવી બેઠો હતો. તેને સ્પિનર ઍજાઝ પટેલે ક્લીન બોલ્ડ કર્યો હતો.

આપણ વાંચો: મુંબઈ ટેસ્ટમાં ભારતની નાલેશીભરી હાર, 24 વર્ષ બાદ ઘરઆંગણે ક્લીન સ્વીપ

મૅન ઑફ ધ મૅચ ઍજાઝ પટેલ ત્યાર પછીની પોતાની ઓવરમાં ફરી ત્રાટક્યો હતો અને તેણે વિરાટ કોહલી (સાત બોલમાં એક રન)ની વિકેટ લીધી હતી.

ઓપનર યશસ્વી જયસ્વાલ (16 બોલમાં પાંચ રન) સાતમી ઓવરમાં સ્પિનર ફિલિપ્સના બૉલમાં આઉટ થઈ ગયો હતો. તેની વિદાય બાદ સરફરાઝ ખાન (એક રન) પણ ઍજાઝના બોલમાં વિકેટ ગુમાવી બેઠો હતો.

ભારતની પહેલી છમાંથી ચાર વિકેટ મુંબઈમાં જન્મેલા કિવી સ્પિનર ઍજાઝ પટેલે લીધી હતી. ઍજાઝે મૅચમાં કુલ 57 રનમાં છ વિકેટ તથા ગ્લેન ફિલિપ્સે 42 રનમાં ત્રણ અને મૅટ હેન્રીએ 10 રનમાં એક વિકેટ લીધી હતી. એકંદરે, ઍજાઝ અને ફિલિપ્સે 10માંથી નવ વિકેટ મેળવી હતી.

પહેલી બન્ને ટેસ્ટ ભારતે ખરાબ બેટિંગને લીધે જ ગુમાવી હતી. સિરીઝમાં ભારતે 0-3ના વાઈટ-વૉશથી બચવાનું હતું, પણ બૅટર્સ એટલું કામ પણ નહોતા કરી શક્યા.

કિવીઓની ટીમ રવિવારે સવારે બીજા દાવમાં 174 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. સ્પિનર રવીન્દ્ર જાડેજાએ બીજા દાવમાં પણ પાંચ વિકેટનો તરખાટ મચાવ્યો હતો. પ્રથમ દાવની પાંચ વિકેટ સહિત આખી મેચમાં તેણે કુલ 10 વિકેટ લઈને પોતાની જવાબદારી સંપૂર્ણપણે નિભાવી હતી.

અશ્ર્વિને કિવીઓના બીજા દાવમાં ત્રણ, વોશિંગ્ટન સુંદરે એક અને આકાશ દીપે એક વિકેટ લીધી હતી.

મૅન ઑફ ધ સિરીઝ વિલ યંગના 51 રન કિવીઓની ટીમમાં હાઈએસ્ટ હતા.

પહેલા દાવમાં ન્યૂ ઝીલેન્ડે 235 રન અને ભારતે 263 રન બનાવ્યા હતા.

બેન્ગલૂરુની પ્રથમ ટેસ્ટમાં ભારતનો આઠ વિકેટે અને પુણેની બીજી ટેસ્ટમાં 113 રનથી પરાજય થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker