સ્પોર્ટસ

ભારતના ટૉપ ઓર્ડરનું પતન, પણ યશસ્વી-પંતે આબરૂ સાચવી

ચેન્નઈ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે સવારે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ શરૂ થઈ હતી જેમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધા બાદ પહેલી દસ ઓવરની અંદર ટીમ ઇન્ડિયાના ટૉપ ઑર્ડરનો સફાયો કરી દીધો હતો, પરંતુ એના બોલર્સ ઓપનર યશસ્વી જયસ્વાલને આઉટ નહોતા કરી શક્યા. લંચના બ્રેક વખતે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 88 રન હતો. યશસ્વી (37 રન, 62 બૉલ, 6 ફોર) અને રિષભ પંત (33 રન, 44 બૉલ, 5 ફોર) ક્રીઝ પર અડીખમ હતા.

બાંગ્લાદેશ વતી ચોથી ટેસ્ટ રમી રહેલો યુવાન પેસ બોલર હસન મહમૂદ ભારતના ટોપ ઓર્ડરને સૌથી વધુ ભારે પડ્યો હતો. ફક્ત 34 રનની અંદર ભારતે ત્રણ વિકેટ ગુમાવી હતી. કેપ્ટન રોહિત શર્મા (છ રન), શુભમન ગિલ (0) અને વિરાટ કોહલી (છ રન) વહેલા પૅવિલિયન ભેગા થઈ ગયા હતા.

ભારતની ત્રણેય વિકેટ હસન મહમૂદે લીધી હતી. ગિલ અને વિરાટ વિકેટકીપર લિટન દાસના હાથમાં કૅચઆઉટ થયા હતા. રોહિત બીજી સ્લિપમાં હરીફ કેપ્ટન નજમુલ શેન્ટોના હાથમાં કૅચઆઉટ થયો હતો.

જોકે હસન કે બીજો કોઈ પણ બોલર યશસ્વી અને પંતની જોડીને તોડી નહોતા શક્યા. તેમની વચ્ચે ચોથી વિકેટ માટે 54 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
બંને ટીમ ત્રણ-ત્રણ પેસ બોલર સાથે મેદાન પર ઊતરી છે. બાંગ્લાદેશના બીજા બે પેસ બોલરમાં તાસ્કીન અહમદ અને નાહિદ રાણાનો સમાવેશ છે.

ભારતની ટીમના પેસ બોલર્સમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ છે. બે સ્પિનરમાં આર. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ છે.
ભારતે હવે સન્માનજનક ટોટલ મેળવવા યશસ્વી પંત ઉપરાંત કે. એલ. રાહુલ તેમ જ અશ્વિન અને જાડેજા પર પણ મદાર રાખવો પડશે.

બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાન સામે એની જ ધરતી પર 2-0થી ઐતિહાસિક જીત મેળવીને ભારત આવી છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button