દિવ્યાંગોની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ચૅમ્પિયન, જાણો કેવી રીતે ટ્રોફી હાંસલ કરી…
કોલંબોઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી શરૂ થવાને હજી એક મહિનાની વાર છે, પરંતુ એ પહેલાં આ નામવાળી એક ટી-20 ટૂર્નામેન્ટ રમાઈ ગઈ જેમાં ભારતે ચૅમ્પિયનપદ મેળવ્યું છે. આ સ્પર્ધા દિવ્યાંગ ક્રિકેટરો વચ્ચેની હતી જેમાં ભારતે ઇંગ્લૅન્ડને 79 રનથી પરાજિત કરીને વિજેતાપદ મેળવ્યું હતું.
ફિઝિકલી ડિસએબલ્ડ (પીડી) ચૅમ્પિયન્સ ટ્રોફીની નિર્ણાયક મૅચમાં ભારતે 20 ઓવરમાં યોગેન્દ્ર ભદોરિયા (40 બૉલમાં પાંચ સિક્સર અને ચાર ફોરની મદદથી 73 રન)ની હાફ સેન્ચુરીની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટે 197 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ભારતીય ટીમે ઇંગ્લૅન્ડને 118 રનમાં ઑલઆઉટ કરી દીધું હતું.
આપણ વાંચો: યશસ્વીને વન-ડેમાં ડેબ્યૂની તકઃ જાણી લો, ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમમાં બીજું કોણ-કોણ છે…
રાધિકા પ્રસાદ નામના ભારતીય બોલરે 19 રનમાં ચાર વિકેટ લીધી હતી. વિક્રાંત કેનીએ 15 રનમાં બે વિકેટ અને રવીન્દ્ર સાન્ટેએ 24 રનમાં બે વિકેટ લીધી હતી.
કૅપ્ટન વિક્રાંત કેનીએ વિજેતાપદ મેળવ્યા પછી કહ્યું, `પીડી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની આ ઉત્કૃષ્ટ ટીમનું નેતૃત્વ સંભાળવા મળ્યું એને હું સૌથી મોટું ગૌરવ માનું છું. ખાસ કરીને પ્લે-ઑફમાં ભારતીય ખેલાડીઓની ટૅલન્ટ અને લડાયક શક્તિ બધાએ જોઈ. આ સિદ્ધિમાં ટીમના દરેક ખેલાડીનું યોગદાન છે. આ ટ્રોફી માત્ર અમારી નથી, ભારત વતી ક્રિકેટ રમવાનું સપનું સેવ્યું હોય એ દરેક દિવ્યાંગ ખેલાડીની છે.’