માઇકલ વૉનના મતે વર્લ્ડ કપ સેમિ ફાઇનલના દાવેદારોમાં ભારત નથી, તો કયા ચાર દેશ છે?

મૅન્ચેસ્ટર: જૂનની શરૂઆતથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે મોટા ભાગના દેશોએ ટીમ જાહેર કરી દીધી છે એટલે ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને ક્રિકેટ-પંડિતો હવે ટ્રોફી માટે કે ફાઇનલ માટે કે સેમિ ફાઇનલ માટેના પોતાના ફેવરિટ દેશના નામ જાહેર કરવા લાગશે. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને જાણે એમાં પહેલ કરી છે.
જોકે ભારતીય ટીમ તરફી કરોડો ક્રિકેટપ્રેમીઓ માટે વૉનની ભવિષ્યવાણી ચોંકાવનારી છે. તેણે સોશિયલ મીડિયામાં એક્સ પર શૅર કરેલી પોસ્ટમાં સેમિ ફાઇનલ માટેના તેની પસંદગીના ચાર દેશના નામ આપ્યા છે જેમાં ભારત નથી.
વૉને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે ‘મને લાગે છે કે ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચશે. મારું માનવું છે કે ભારતીય ટીમ લાસ્ટ-ફોરમાં નહીં પહોંચે.’
2007માં સૌપ્રથમ ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી પર ભારતે કબજો કર્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લૅન્ડની ટીમ બે-બે વાર તેમ જ ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન, શ્રીલંકા એક-એક વાર ચૅમ્પિયન બન્યું છે. હવે નવમો ટી-20 વર્લ્ડ કપ રમાશે.
આ વખતના ટી-20 વિશ્ર્વકપમાં 20 ટીમ ભાગ લઈ રહી છે. બીજી જૂને અમેરિકા-કૅનેડા વચ્ચે પ્રથમ મૅચ રમાશે અને 29મી જૂને ફાઇનલ મુકાબલો થશે.
ભારતની પ્રથમ મૅચ પાંચમી જૂને ન્યૂ યૉર્કમાં આયરલૅન્ડ સામે રમાશે.
20 ટીમને પાંચ-પાંચ ટીમના ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારતના ગ્રૂપમાં પાકિસ્તાન, આયરલૅન્ડ, અમેરિકા અને કૅનેડા છે. દરેક ગ્રૂપમાંથી ટોચની બે ટીમ સુપર-એઇટમાં પહોંચશે. એ રાઉન્ડ માટે પણ ચાર-ચાર ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. બન્ને ગ્રૂપની ટોચની બે ટીમ સેમિ ફાઇનલમાં જશે.