94 વર્ષ પહેલાં આજની તારીખે ભારતની પ્રથમ ટેસ્ટની ટીમ સિલેક્ટ થઈ હતી!

મુંબઈઃ ક્રિકેટની સૌપ્રથમ ટેસ્ટ મૅચ માર્ચ, 1877માં રમાઈ હતી, પરંતુ ભારતે ટેસ્ટ-ક્રિકેટમાં છેક જૂન, 1932માં (બ્રિટિશરોના રાજ દરમ્યાન) ઝુકાવ્યું હતું અને તમને જાણીને નવાઈ લાગશે કે ભારતની (94 વર્ષ પહેલાંની) એ સૌપ્રથમ ટેસ્ટ (test) માટેની ટીમ (Team) આજની તારીખે (4-2-1932ના રોજ) સિલેક્ટ (Select) કરવામાં આવી હતી.
1932ની પચીસમી જૂને ક્રિકેટના મક્કા લૉર્ડ્સમાં ભારતની ઇંગ્લૅન્ડ (England) સામેની ઐતિહાસિક ટેસ્ટ શરૂ થઈ હતી. કર્નલ સી. કે. નાયુડુ ભારતના સૌપ્રથમ ટેસ્ટ-કૅપ્ટન હતા અને તેમના નેતૃત્વ હેઠળની ટીમમાં ખેલાડીઓનો સમાવેશ આ મુજબ હતોઃ જનાર્દન નવલે (ઓપનર, વિકેટકીપર), નૂમલ જિઉમલ (ઓપનર, લેગ સ્પિનર), સૈયદ વઝીર અલી (વનડાઉન બૅટ્સમૅન), સી. કે. નાયુડુ (ચોથા ક્રમે બૅટિંગ, ઑફ સ્પિનર), સોરાબજી કોલાહ (બૅટ્સમૅન નંબર-પાંચ), નઝીર અલી (બૅટ્સમૅન નંબર-છ), ફિરોઝ પાલિયા (બૅટ્સમૅન નંબર-સાત, લેફ્ટ-આર્મ સ્પિનર), લાલ સિંહ (બૅટ્સમૅન નંબર-આઠ), જહાંગીર ખાન (બૅટ્સમૅન નંબર-નવ, પેસ બોલર), અમર સિંહ (બૅટ્સમૅન નંબર-દસ, પેસ બોલર) અને મોહમ્મદ નિસાર (બૅટ્સમૅન નંબર-અગિયાર, પેસ બોલર).
આપણ વાચો: ગુરુવારથી ત્રીજી ટેસ્ટઃ લૉર્ડ્સમાં ભારત છેલ્લી ત્રણમાંથી બે ટેસ્ટ જીત્યું છે…
ભારતીય ટીમે ત્યારે પંચાવન વર્ષની અનુભવી ઇંગ્લૅન્ડની ટીમને પ્રથમ દાવમાં એના જ મુખ્ય મેદાન લૉર્ડ્સ પર માત્ર 259 રનમાં ઑલઆઉટ કરી દીધી હતી. મોહમ્મદ નિસારે પાંચ વિકેટ લીધી હતી. તેમણે પહેલા માત્ર 11 રનના સ્કોરમાં ઇંગ્લૅન્ડના આઠ વર્ષના અનુભવી ટેસ્ટ ખેલાડી હર્બર્ટ સટક્લિફ (ત્રણ રન)ને તેમ જ 11 વર્ષના અનુભવી ઓપનર પર્સી હૉમેઝ (છ રન)ને પૅવિલિયન ભેગા કરી દીધા હતા.
ઇંગ્લૅન્ડના એક પણ બૅટ્સમૅન સેન્ચુરી નહોતા કરી શક્યા. કૅપ્ટન ડગ્લાસ જાર્ડિને 79 રન કર્યા હતા અને તેમની વિકેટ હરીફ સુકાની સી. કે. નાયુડુએ લીધી હતી.
ભારતે પહેલા દાવમાં સી. કે. નાયુડુના 40 રનની મદદથી કુલ 189 રન બનાવ્યા હતા. બિલ બૉવેઝે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. બીજા દાવમાં ઇંગ્લૅન્ડે 8/275ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો.
જહાંગીર ખાને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. ભારતીય ટીમ 346 રનના લક્ષ્યાંક સામે 187 રન બનાવી શકી હતી અને ભારતનો 158 રનથી પરાજય થયો હતો. જોકે એ સમયના તમામ ભારતીય ખેલાડીઓના પર્ફોર્મન્સને ક્રિકેટ જગતમાં બિરદાવવામાં આવ્યો હતો.



