ભારત અન્ડર-19 વર્લ્ડ કપના સુપર સિક્સ રાઉન્ડમાં પહોંચી ગયું
બ્લોમફોન્ટેન: ભારતે અહીં અન્ડર-19 વન-ડે મેન્સ વર્લ્ડ કપમાં અમેરિકાને 201 રનના તોતિંગ માર્જિનથી હરાવીને ક્લીન વિક્ટરીના રેકૉર્ડ સાથે સુપર સિક્સ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. ભાારતે પાંચ વિકેટે 326 રન બનાવ્યા હતા જેમાં સોલાપુરના અર્શિન કુલકર્ણીના 108 રન હતા જે તેણે 118 બૉલમાં કુલ 11 બાઉન્ડરીઝની મદદથી બનાવ્યા હતા. મુંબઈના મુશીર ખાને 73 રનનું યોગદાન આપ્યું હતું. અમેરિકા વતી રમતા બોલર પાર્થ પટેલને વિકેટ નહોતી મળી. જોકે ભારતીય મૂળના જ અતિન્દ્ર સુબ્રમણ્યમે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
અમેરિકાની ટીમ ભારતીયો સામે ખૂબ નબળી હોવા છતાં પૂરી 50 ઓવર રમી હતી. જોકે એના 8 વિકેટે 125 રન બન્યા હતા જેમાં ભારતીય મૂળના ખેલાડી ઉત્કર્ષ શ્રીવાસ્તવના 40 રન હાઇએસ્ટ હતા.
ભારત વતી આઠ બોલરે બોલિંગ કરી હતી જેમાં નમન તિવારી 20 રનમાં ચાર વિકેટ લઈને સૌથી સફળ બન્યો હતો. કુલકર્ણીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો.
હવે સુપર સિક્સમાં ભારતનો મુકાબલો ન્યૂ ઝીલૅન્ડ સામે 30 જાન્યુઆરીએ થશે. રવિવારે ઑસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું.