સ્પોર્ટસ

કોહલી ફિટ છે તો પછી આઉટ કોણ? યશસ્વી કે પછી બીજું કોઈ?

ભારત આવતી કાલે જ સિરીઝ જીતવાના મૂડમાંઃ હાઈ-સ્કોરિંગ મૅચની સંભાવના

કટકઃ ટીમ ઇન્ડિયા અહીં બારામતીના સ્ટેડિયમમાં આવતી કાલે (રવિવાર, બપોરે 1.30 વાગ્યાથી) ઇંગ્લૅન્ડને બીજી વન-ડેમાં પણ હરાવીને ત્રણ મૅચની સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ લેવા મક્કમ છે અને એમાં ટીમને વિરાટ કોહલીનો મજબૂત ટેકો મળી શકશે, કારણકે તે ફિટ છે. જોકે તેને કોના સ્થાને ઇલેવનમાં સમાવાશે એ મોટો સવાલ છે. ઓપનર યશસ્વી જયસ્વાલે ડ્રૉપ કરીને કોહલીને ટીમમાં સમાવવામાં આવશે એવી મોટી સંભાવના છે.

Also read : ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કયા સ્ટાર ખેલાડીઓ નથી રમવાના? કયા દેશોને નુકસાન થવાનું છે?

યશસ્વી છઠ્ઠી ફેબ્રુઆરીએ હજી વન-ડે કરીઅર શરૂ કરી ત્યાં તો તેને બીજી જ મૅચમાં પડતો મૂકવામાં આવે એવા સંજોગો ઊભા થયા છે. કોહલીને સમાવવા શ્રેયસ ઐયરને પડતો મૂકવો મુશ્કેલ છે, કારણકે છઠ્ઠી ફેબ્રુઆરીએ નાગપુરની પ્રથમ વન-ડેમાં તેણે 36 બૉલમાં બહુમૂલ્ય 59 રન બનાવ્યા હતા અને મૅચ-વિનર શુભમન ગિલ (87 રન) સાથે ત્રીજી વિકેટ માટે 94 રનની મૅચ-વિનિંગ પાર્ટનરશિપ કરી હતી.

એ જોતાં, યશસ્વીને જ પડતો મૂકવામાં આવશે એવી સંભાવના છે. જોકે કોહલીને સમાવવા કોઈ બોલરને ડ્રૉપ કરાશે એવી પણ ચર્ચા હતી.

કોહલીને પાંચમી ફેબ્રુઆરીએ જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી જેને લીધે બીજા દિવસે તે નહોતો રમી શક્યો. જોકે બૅટિંગ-કોચ સિતાંશુ કોટકે કહ્યું છે કે `કોહલી પૂર્ણપણે ફિટ છે અને રવિવારની મૅચમાં રમી શકે એમ છે.’

Also read : ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દુનિયાને બતાવી દેવા માગે છે કે…

છેલ્લા 20 વર્ષમાં ભારતમાં ઇંગ્લૅન્ડે ભારતને 31 વન-ડેમાંથી ફક્ત પાંચ વન-ડેમાં હરાવ્યું હોવાથી ભારતનો હાથ ઉપર છે. 2017માં આ જ સ્થળે (કટકમાં) ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે હાઇ-સ્કોરિંગ મૅચ રમાઈ હતી. ત્યારે ભારતે કોહલીના નેતૃત્વમાં રમાયેલી મૅચમાં યુવરાજ (150) અને ધોની (134)ની સદીની મદદથી છ વિકેટે 381 રન બનાવ્યા બાદ ઇંગ્લૅન્ડને 366/8ના સ્કોર સુધી સીમિત રાખ્યું હતું અને 15 રનથી વિજય મેળવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button