પર્થમાં બુમરાહ-સિરાજનો હાહાકાર, 12 રનમાં ઑસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ પાડી દીધી
યજમાન ટીમને 534 રનનો લક્ષ્યાંક મળ્યો, હજી 522 રન બનાવવાના બાકી છે
પર્થઃ ભારતે ઑસ્ટ્રેલિયાને બોર્ડર-ગાવસકર ટ્રોફી (બીજીટી) ટેસ્ટ સિરીઝની પ્રથમ મૅચમાં આજે ત્રીજા દિવસે 534 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યા બાદ ફક્ત 12 રનમાં એની ત્રણ વિકેટ લઈ લીધી હતી. એમાંથી કૅપ્ટન જસપ્રીત બુમરાહે બે વિકેટ અને મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી હતી.
બુમરાહે પહેલી જ ઓવરના ચોથા બૉલમાં નવા ઓપનર નૅથન મૅક્સ્વીની (0)ને એલબીડબ્લ્યૂમાં આઉટ કરીને પૅવિલિયન ભેગો કરી દીધો હતો. કૅપ્ટન પૅટ કમિન્સ નાઇટ-વૉચમૅન તરીકે આવ્યો હતો, પરંતુ ઑસ્ટ્રેલિયાની ચોથી ઓવરમાં માત્ર નવ રનના સ્કોર પર સિરાજે તેને વિરાટ કોહલીના હાથમાં કૅચઆઉટ કરાવીને યજમાન ટીમને બીજો આંચકો આપ્યો હતો.
માર્નસ લાબુશેન હજી તો ઓપનર ઉસમાન ખ્વાજા સાથે માંડ જોડાયો હતો ત્યાં થોડી જ વારમાં બુમરાહ ફરી ત્રાટક્યો હતો અને લાબુશેનનો પણ એલબીડબ્લ્યૂમાં શિકાર કરી લીધો હતો.
આપણ વાંચો: ભારતે હવે ઑસ્ટ્રેલિયા સામે કેટલા માર્જિનથી જીતવું જ પડશે?
એ તબક્કે ત્રીજા દિવસની રમતમાં હજી 4.4 ઓવર બાકી હતી, પણ અમ્પાયર્સે રમતનો અંત જાહેર કર્યો હતો.
ખ્વાજા ત્રણ રને નૉટઆઉટ હતો. હવે સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચલ માર્શ, ઍલેક્સ કૅરી તથા મિચલ સ્ટાર્ક ચોથા દિવસે ભારતની ધારદાર બોલિંગ સામે કેટલું ટકશે એ જોવાનું રહેશે.
બાકી, કાંગારૂઓએ હજી જીતવા 522 રન બાકી છે અને એ લક્ષ્યાંક પૂરો કરવો અસંભવ છે, કારણકે ટેસ્ટ-ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં કોઈ પણ ટીમ છેલ્લા દાવમાં 418 રનથી વધુ રન બનાવીને ટેસ્ટ જીતી નથી. એ રેકૉર્ડ વેસ્ટ ઇન્ડિઝના નામે છે.
એ પહેલાં, પ્રથમ દાવમાં 46 રનની સરસાઈ લેનાર ભારતે બીજો દાવ 487/6ના સ્કોર પર ડિક્લેર કર્યો હતો. યશસ્વી જયસ્વાલ (161 રન, 297 બૉલ, 432 મિનિટ, ત્રણ સિક્સર, પંદર ફોર) પછી વિરાટ કોહલી (100 અણનમ, 143 બૉલ, 221 મિનિટ, બે સિક્સર, આઠ ફોર) પણ લાંબી ઇનિંગ્સ રમ્યો હતો. તેની સદી બાદ બુમરાહે દાવ સમાપ્ત જાહેર કર્યો હતો અને ઑસ્ટ્રેલિયાને જીતવા 534 રનનો મહાકાય લક્ષ્યાંક મળ્યો હતો.
આપણ વાંચો: 104 રન ઑસ્ટ્રેલિયાનો ભારત સામે બીજા નંબરનો સૌથી નીચો સ્કોર…
ભારતના 487/6ના સ્કોરમાં કેએલ રાહુલના 77 રન પણ સામેલ હતા જે તેણે 176 બૉલમાં 295 મિનિટ સુધી ક્રીઝ પર રહીને પાંચ ફોરની મદદથી બનાવ્યા હતા.
યશસ્વી-રાહુલ વચ્ચે 201 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી જે ઑસ્ટ્રેલિયામાં ભારતીય ઓપનર્સમાં હવે નવો વિક્રમ છે. યશસ્વી-રાહુલે સુનીલ ગાવસકર અને કે. શ્રીકાંત વચ્ચેની 1986ની સાલની 191 રનની ભાગીદારીનો 38 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો.