હૉકીમાં ભારતે કઝાખસ્તાનને 15-0થી કચડ્યું, પણ હવે મોટા પડકારો ઝીલવા પડશે

રાજગીર (બિહાર): અહીં સોમવારે ભારતે (India) મેન્સ એશિયા કપ હૉકીમાં કઝાખસ્તાનને 15-0થી હરાવીને આ સ્પર્ધામાં પ્રભુત્વ વધુ મજબૂત કર્યું હતું, પરંતુ હવે સુપર-ફોર રાઉન્ડમાં હરમનપ્રીત સિંહના સુકાનમાં ભારતીય ટીમે મોટા પડકારો ઝીલવાની તૈયારી રાખવી પડશે.
મંગળવાર, બીજી સપ્ટેમ્બરના રેસ્ટ-ડે બાદ બુધવાર, ત્રીજી સપ્ટેમ્બરે સુપર-ફોર (Super-4) રાઉન્ડ શરૂ થશે જેમાં સાંજે 5:00 વાગ્યાથી પ્રથમ મૅચ ચીન અને મલયેશિયા વચ્ચે રમાશે. ત્યાર બાદ બીજો મુકાબલો સાંજે 7:30 વાગ્યાથી ભારત અને સાઉથ કોરિયા વચ્ચે થશે.

ભારતે લીગ રાઉન્ડમાં ચીન અને જાપાનને પણ હરાવ્યું હતું. ત્રણે ત્રણ લીગ મુકાબલા જીતીને ભારત અપરાજિત રહીને સુપર-ફોર રાઉન્ડમાં પહોંચ્યું છે જેમાં ભારતે સાઉથ કોરિયા અને મલયેશિયા જેવી મજબૂત ટીમનો સામનો કરવો પડશે. આ એશિયા કપ (Asia cup) જીતનારી ટીમ આવતા વર્ષના હૉકી વર્લ્ડ કપ માટે કવોલિફાય થશે.
કઝાખસ્તાન સામે કયા ભારતીયોના કેટલા ગોલ?
ભારતે સોમવારે કઝાખસ્તાનને 15-0થી કચડી નાખ્યું હતું. ત્રણ ખેલાડીઓએ ગોલની હૅટ-ટ્રિક નોંધાવી હતી. આ મૅચમાં કુલ સાત ભારતીય પ્લેયરે ગોલ કર્યા હતા: અભિષેક (ચાર ગોલ), સુખજિત સિંહ (ચાર ગોલ), જુગરાજ સિંહ (ત્રણ ગોલ), કેપ્ટન હરમનપ્રીત સિંહ (એક ગોલ), અમિત રોહિદાસ (એક ગોલ) સંજય (એક ગોલ) અને દિલપ્રીત સિંહ (એક ગોલ).
ભારત કેવી રીતે મલયેશિયાથી નબળું?
લીગ રાઉન્ડમાં ગ્રૂપ ‘ એ’માં ભારત 9 પોઇન્ટ સાથે મોખરે હતું, પણ નંબર વન ટીમ ભારતનો 17નો જે ગોલ તફાવત (ભારતે ગોલ કર્યા અને હરીફ ટીમોએ ગોલ કર્યા વચ્ચેનો ફરક) હતો એની સામે ગ્રૂપ ‘ બી’ની મોખરાની ટીમ મલયેશિયાનો ગોલ તફાવત 21 જેટલો ઊંચો હતો.

સુપર-ફોરમાં કોની સામે કોણ ક્યારે રમશે
(1) 3 સપ્ટેમ્બર, મલયેશિયા વિરુદ્ધ ચીન, સાંજે 5:00 વાગ્યાથી અને ભારત વિરુદ્ધ સાઉથ કોરિયા, સાંજે 7:30 વાગ્યાથી.
(2) 4 સપ્ટેમ્બર, સાઉથ કોરિયા વિરુદ્ધ ચીન, સાંજે 5.00 વાગ્યાથી અને ભારત વિરુદ્ધ મલયેશિયા, સાંજે 7:30 વાગ્યાથી (3) 6 સપ્ટેમ્બર, સાઉથ કોરિયા વિરુદ્ધ મલયેશિયા, સાંજે 5:00 વાગ્યાથી અને ભારત વિરુદ્ધ ચીન, સાંજે 7:30 વાગ્યાથી (4) 7 સપ્ટેમ્બર, ત્રીજા/ચોથા સ્થાન (બ્રોન્ઝ મેડલ) માટેની મૅચ, સાંજે 5:00 વાગ્યાથી (5) 7 સપ્ટેમ્બર, ફાઈનલ (ગોલ્ડ અને સિલ્વર માટેની મૅચ), સાંજે 7.30 વાગ્યાથી.
આપણ વાંચો: એક જ દિવસમાં ત્રણ સ્પર્ધામાં ચૅમ્પિયન ટીમ નક્કી થઈ!