એશિયા કપ હૉકીમાં ભારત ચૅમ્પિયનઃ વર્લ્ડ કપ માટે થયું ક્વૉલિફાય

રાજગીર (બિહાર): ભારતના પુરુષ હૉકી ખેલાડીઓની ટીમ રવિવારે અહીં એશિયા કપની ફાઇનલમાં સાઉથ કોરિયાને 4-1થી પરાજિત કરીને ચૅમ્પિયન બની ગઈ હતી. એ સાથે, ભારત આવતા વર્ષે બેલ્જિયમ-નેધરલૅન્ડ્સમાં યોજાનારા હૉકી વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ ગયું છે.
હરમનપ્રીત સિંહના સુકાનમાં ભારતીય ટીમ આ વખતના એશિયા કપમાં પાંચ વિજય અને એક ડ્રૉ સાથે અપરાજિત રહી હતી. રવિવારની ફાઇનલમાં ભારત વતી દિલપ્રીત સિંહે (28મી તથા 45મી મિનિટમાં), સુખજીત સિંહે (પ્રથમ મિનિટમાં) અને અમિત રોહિદાસે (50મી મિનિટમાં) ગોલ કરીને કોરિયન ટીમ પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું.

કોરિયા એશિયા કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન હતું, પણ એના વતી ફાઇનલમાં માત્ર એક જ ગોલ થયો હતો જે ડેઇન સૉને 51મી મિનિટમાં કર્યો હતો.
ભારત આ પહેલાં 2003, 2007 અને 2017માં એશિયા કપ હૉકી ટૂર્નામેન્ટ જીત્યું હતું.
આ પણ વાંચો…ભારતની નવમા ક્રમની મહિલા હૉકી ટીમનો થાઇલૅન્ડ સામે 11-0થી વિજય