ભારતીય બૅટ્સમેનો બ્રિટિશ બોલર્સનો પડકાર ન ઝીલી શક્યા, પરાજયની નજીક પહોંચી ગયા
ભારતના આઠ વિકેટે 112 રનઃ પંત આંગળીની ઈજાને લીધે ચોથી ટેસ્ટમાં ન પણ રમે

લંડનઃ અહીં લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટના નિર્ણાયક દિવસે ભારતીય બૅટ્સમેનો લંચ (Lunch)ના વિશ્રામ પહેલાં ફાસ્ટ બોલર્સને ખૂબ લાભ અપાવતી પિચ પર પડકાર ઝીલવામાં નિષ્ફળ ગયા હતા અને ભોજનના સમયે 193 રનના લક્ષ્યાંક સામે ભારતનો સ્કોર આઠ વિકેટે 112 રન હતો. ભારતીયોએ હજી 81 રન બનાવવાના બાકી હતા.
રવીન્દ્ર જાડેજા (Jadeja) 53 બૉલમાં એક ફોરની મદદથી બનાવેલા 17 રનના પોતાના સ્કોર પર રમી રહ્યો હતો. લંચની થોડી ક્ષણો પહેલાં નીતીશ કુમાર રેડ્ડી (Nitish Reddy) ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સનો શિકાર થઈ ગયો હતો.
આપણ વાંચો: ગુરુવારથી ત્રીજી ટેસ્ટઃ લૉર્ડ્સમાં ભારત છેલ્લી ત્રણમાંથી બે ટેસ્ટ જીત્યું છે…
રેડ્ડીની આઠમી વિકેટ ગુમાવીને ભારત પરાજયની વધુ નજીક પહોંચ્યું હતું. 53 બૉલમાં 13 રન કરનાર નીતીશને ક્રિસ વૉક્સે વિકેટકીપર જૅમી સ્મિથના હાથમાં કૅચઆઉટ કરીને આ દાવમાં પહેલો શિકાર કર્યો હતો. જાડેજાને સાથ આપવા હવે માત્ર બુમરાહ અને સિરાજ બાકી છે.

છેલ્લા દિવસની શરૂઆતમાં ભારતનો સ્કોર ચાર વિકેટે 58 રન હતો અને બીજા 135 રન બનાવવાના બાકી હતા. ભારતે ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૂઆત 1932માં લૉર્ડ્સથી જ કરી હતી અને આ ઐતિહાસિક સ્થળે ભારતને ચોથી વાર ટેસ્ટમાં વિજય મેળવવાની અમૂલ્ય તક મળી, પરંતુ એક પછી એક અનુભવી બૅટ્સમેનો વિકેટ ગુમાવી બેસતાં હવે ટીમ પરાજયની લગોલગ પહોંચી ગઈ છે. રિષભ પંત (12 બૉલમાં નવ રન), કે. એલ. રાહુલ (58 બૉલમાં 39 રન) અને ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર (શૂન્ય) પહેલા એક કલાકમાં આઉટ થઈ ગયા હતા.
આપણ વાંચો: ઇંગ્લૅન્ડે ત્રીજી ટેસ્ટ માટે જાહેર કરી પ્લેઇંગ-ઇલેવન, પીઢ ફાસ્ટ બોલરનું સાડાચાર વર્ષે કમબૅક
પંતને ડાબા હાથની પહેલી આંગળીમાં ખૂબ દુખાવો છે. જ્યારે પણ બૉલ તેના બૅટને લાગતો હતો ત્યારે તેને આંગળીમાં દુખાવો થતો હતો. પંત આંગળીની ઈજા છતાં મિશન પૂરું કરાવવા આવી તો ગયો અને તેણે એક હાથે ફોર ફટકારીને બ્રિટિશરોને ચેતવી દીધા હતા, પણ નવ રન બનાવીને આર્ચર (Jofra Archer)ના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. પંત ચોથી ટેસ્ટમાં રમશે કે કેમ એમાં શંકા છે.
રાહુલની સૌથી મહત્ત્વની વિકેટ બેન સ્ટૉક્સે લીધી હતી. તેનો સીમ બૉલ અચાનક અંદર તરફ આવ્યો અને રાહુલ એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો.
ચાર વર્ષે ટેસ્ટમાં કમબૅક કરનાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે 41 રનમાં ત્રણ વિકેટ લીધી છે, જ્યારે બે-બે વિકેટ બેન સ્ટૉક્સ તથા બ્રાયડન કાર્સે અને એક વિકેટ ક્રિસ વૉક્સે લીધી છે.