ભારતે ઑલિમ્પિક્સ અને કૉમનવેલ્થ પહેલાં આ બે મોટી સ્પર્ધા યોજવાનો દાવો કર્યો

નવી દિલ્હીઃ 2030ની સાલની કૉમનવેલ્થ ગેમ્સ ભારતમાં યોજાવાની છે જેને પગલે 2036ની ઑલિમ્પિક ગેમ્સ માટેનો ભારતનો દાવો મજબૂત થયો છે અને આ બે સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ પહેલાં 2026માં અને 2028માં એશિયન સ્તરની મોટી ખેલકૂદ સ્પર્ધા યોજવા માટે પણ ભારતે દાવો કર્યો છે.
ભારતે 2026ની એશિયન રિલે દોડ માટે અને 2028ની એશિયન (Asian) ઇન્ડોર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ્સ માટે સત્તાવાર રીતે બિડ મોકલ્યું છે.

જો ભારતના આ બે સ્પર્ધા માટેના બિડ મંજૂર કરાશે તો દેશને આ બે એશિયન સ્પર્ધાના આયોજનનો પહેલી વાર અવસર મળશે. ઍથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (AFI)એ 2028ની એશિયન ઍથ્લેટિક્સ માટે ભુવનેશ્વર શહેરનું નામ સૂચવ્યું છે. ભુવનેશ્વર (BHUVANESHWAR)ના કાલિંગા સ્ટેડિયમ કૉમ્પ્લેક્સમાં ગયા વર્ષે 200 મીટરનો રનિંગ ટ્રૅક, 100 મીટરનો પ્રૅક્ટિસ ટ્રૅક તેમ જ લૉન્ગ જમ્પ, ટ્રિપલ જમ્પ, વાંસ કૂદકો તથા ગોળા ફેંકની હરીફાઈ માટેના અદ્યતન એરિયા વિકસાવવામાં આવ્યા હતા. એ ઉપરાંત, દેશ-વિદેશના ઍથ્લીટોના રહેવા માટેની વ્યવસ્થા પણ આ સંકુલમાં તૈયાર કરાઈ છે.
2026ની એશિયન રિલે માટેના સંભવિત સ્થળનું નામ હવે પછી નક્કી કરવામાં આવશે. એ માટે એવું મનાય છે કે ઉત્તર ભારતના કોઈ શહેરને પસંદ કરવામાં આવશે.
આપણ વાંચો: ઈજાગ્રસ્ત પ્રતીકા રાવલ વર્લ્ડ કપની બહાર: આ જાણીતી આક્રમક ઓપનર ટીમમાં



