એશિયા કપ હૉકીઃ ભારતીય ટીમના નીરસ દેખાવ સાથે વિજયી શ્રીગણેશ

રાજગીર (બિહાર): યજમાન ભારતની મેન્સ હૉકી (Hockey) ટીમે અહીં એશિયા કપ (Asia Cup)માં ઊતરતા ક્રમના ચીન (China)ને 4-3થી હરાવીને વિજયી શરૂઆત કરી તો હતી, પરંતુ હરમનપ્રીત સિંહ (Harmanpreet Singh)ના સુકાનમાં ભારતનો દેખાવ સંતોષજનક નહોતો. અન્ય મૅચોમાં મલયેશિયાએ બાંગ્લાદેશને 4-1થી અને કોરિયાએ ચાઇનીઝ તાઇપેઇને 7-0થી કચડી નાખ્યું હતું.
ચીન સામેની મૅચમાં ભારતના કૅપ્ટન હરમનપ્રીત સિંહે ગોલની હૅટ-ટ્રિક કરી હતી. જુગરાજ સિંહે 18મી મિનિટમાં ભારતને પ્રથમ ગોલ અપાવીને સ્કોર 1-1ની બરાબરીમાં લાવી દીધો ત્યાર બાદ હરમનપ્રીતે 20, 33 અને 47મી મિનિટમાં ત્રણ પેનલ્ટી કૉર્નરમાંથી ગોલ કરીને ભારતને મોટી સરસાઈ અપાવી હતી.
ચીન વતી 12મી, 35મી અને 41મી મિનિટમાં અનુક્રમે શિહાઓ ડુ, બેન્હાલ ચેન અને જિશેન્ગ ગાઓએ ગોલ કર્યો હતો. ચીનની ઊતરતા ક્રમની ટીમ સામે ભારતીયોને કુલ 11 પેનલ્ટી કૉર્નર મળ્યા હતા જેમાંથી માત્ર ચાર કૉર્નર ગોલમાં પરિવર્તિત થઈ શક્યા હતા. હવે ભારતનો રવિવારે જાપાન સામે મુકાબલો છે.
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર ભારત-ચીનની મૅચ જોવા આવ્યા હતા. તેમણે મૅચના આરંભ પહેલાં રાષ્ટ્રીય ખેલ દિન નિમિત્તે મેજર ધ્યાનચંદને અંજલિ આપી હતી.
આ પણ વાંચો…રશિયન ખેલાડીને બે અભદ્ર વર્તન ભારે પડ્યા, હજારો ડૉલર ગુમાવ્યા