ભારતે વેસ્ટ ઇન્ડિઝનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો…જોકે આ વિક્રમ સારો તો નથી જ…

લૉર્ડસઃ ઇંગ્લૅન્ડ (England) સામેની ટેસ્ટ-સિરીઝમાં 1-1થી બરાબરીમાં આવ્યા પછી પણ ભારતીય ટીમે એક રીતે ફરી નિરાશ થવું પડ્યું છે અને એ નિરાશા એવી છે જેમાં એક અનિચ્છનીય વિશ્વવિક્રમ (World record) ભારતથી થઈ ગયો છે.
પહેલી ટેસ્ટ ઇંગ્લૅન્ડે પાંચ વિકેટે અને બીજી ટેસ્ટ ભારતે 336 રનના તોતિંગ તફાવતથી જીતી હતી. જોકે એ બન્ને ટેસ્ટમાં ટૉસ (Toss) તો ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બેન સ્ટૉક્સ જ જીત્યો હતો. એ તો ઠીક છે, પણ લૉર્ડસમાં ગુરુવારે ત્રીજી ટેસ્ટ પહેલાં પણ સિક્કો ઉછાળવામાં આવ્યો ત્યારે પણ સ્ટૉક્સનું સાચું પડતાં તેણે બૅટિંગ પસંદ કરી હતી.
મુદ્દાની વાત એ છે કે ભારતીય ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત 13મી વખત ટૉસ હાર્યા છે. ભારતીયો 2025ની 31મી જાન્યુઆરીથી માંડીને ગુરુવાર, 10મી જુલાઈ સુધીમાં 13 મૅચમાં ટૉસ હાર્યા છે. એ સાથે, ભારતે વેસ્ટ ઇન્ડિઝનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો છે. આ પહેલાં, ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં (1999ની બીજી ફેબ્રુઆરીથી 1999ની 21મી એપ્રિલ દરમ્યાન) લાગલગાટ 12 મૅચમાં ટૉસ હારવાનો વેસ્ટ ઇન્ડિઝનો રેકૉર્ડ હતો જે હવે તૂટી ગયો છે.
આ પણ વાંચો: 10 ભારતીય ખેલાડીએ લૉર્ડ્સમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે, પણ આ લિસ્ટમાં સચિન-વિરાટ નથી
ભારત છેલ્લી જે સતત 13 મૅચમાં ટૉસ હાર્યું છે એમાં આઠ મૅચ રોહિત શર્માની કૅપ્ટન્સીમાં, ત્રણ મૅચ ગિલની કૅપ્ટન્સીમાં અને બે મૅચ સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં રમાઈ છે.