સૈફ અંડર-19 ચેમ્પિયનશીપમાં ભારત બન્યું ચેમ્પિયન, પેનલ્ટી શૂટઆઉટમાં બાંગ્લાદેશને હરાવ્યું

યૂપિયા (અરુણાચલ પ્રદેશ): ભારતે રવિવારે પેનલ્ટી શૂટઆઉટમાં બાંગ્લાદેશને 4-3થી હરાવીને સૈફ અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ જાળવી રાખ્યું હતું. નિયમિત સમય પછી મેચ 1-1થી બરાબરી પર રહી હતી જેના કારણે પરિણામ માટે પેનલ્ટી શૂટઆઉટની જરૂર પડી હતી.
ભારતે મેચની બીજી મિનિટમાં કેપ્ટન સિંગામાયુમ શમીના ગોલથી લીડ મેળવી હતી પરંતુ બાંગ્લાદેશે 61મી મિનિટે મોહમ્મદ જોયના ગોલથી બરાબરી કરી હતી. પેનલ્ટી શૂટઆઉટમાં ભારતની શરૂઆત સારી રહી ન હતી કારણ કે રોહન સિંહનો નબળો પ્રયાસ બાંગ્લાદેશના ગોલકીપરે બચાવ્યો હતો.
બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુદા ફૈઝલનો શોટ ક્રોસબાર ઉપરથી ગયો જેનાથી પરિણામ ભારતની તરફે આવી ગયું હતું. ભારતે બાકીની પેનલ્ટીઓને સફળતાપૂર્વક ગોલમાં ફેરવી હતી અને ગોલકીપર સૂરજ સિંહે નિર્ણાયક ક્ષણે શાનદાર પ્રદર્શન કરીને બાંગ્લાદેશને ગોલ કરવા દીધા નહોતા. ભારતના કેપ્ટન શમીએ છેલ્લી પેનલ્ટી પર ગોલ કરીને ભારતને ફરી એકવાર ચેમ્પિયન બનાવ્યું હતું.