ભારતીય ફૂટબોલ ટીમે ગુરુવારે ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં જીત સાથે શરૂઆત કરી હતી. ભારતીય ટીમે કુવૈત સિટીના જાબેર અલ-અહમદ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે કુવૈતને 1-0થી હરાવ્યું હતું. પહેલા હાફમાં મેચ 0-0થી બરાબર રહી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજા હાફમાં શાનદાર પ્રદર્શન કર્યું અને કુવૈત પર સતત પ્રેસર જાળવી રાખ્યું હતું. મનવીર સિંહે 75મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. આ પછી મેચમાં કોઈ ગોલ થયો ન હતો.
AFC એશિયન કપ 2027 માટે વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયરનો બીજો રાઉન્ડ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો સીધી AFC એશિયન કપ 2027માં પ્રવેશ કરશે. આ મેચમાં જીત સાથે ભારતે ત્રણ પોઈન્ટ મેળવ્યા છે અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. કતારે પણ અફઘાનિસ્તાનને હરાવીને ત્રણ પોઈન્ટ મેળવ્યા છે. ગુરુવારે રમાયેલી અન્ય ગ્રુપ મેચમાં કતારે અફઘાનિસ્તાનને 8-1થી હરાવ્યું હતું.
ભારત અને કુવૈત વચ્ચે આ છઠ્ઠી મેચ હતી. ભારતે કુવૈત બીજી વખત હરાવ્યું છે. કુવૈત પણ બે વખત જીત્યું છે અને બે મેચ ડ્રો રહી છે. ભારત વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં તેની બીજી મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં 21 નવેમ્બરે કતાર સામે રમશે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ ઘણી મુશ્કેલ હશે.
આ વર્ષની શરૂઆતમાં બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં SAFF ચેમ્પિયનશિપમાં ભારતનો બે વાર કુવૈતનો સામનો થયો હતો. બંને મેચ 1-1 થી ટાઈ રહી હતી. ફાઇનલમાં ભારતે કુવૈતને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું.