અમ્પાયરોએ રમતને રદ જાહેર કરી ત્યાં સૂરજદાદાએ વાદળો વચ્ચેથી ડોકિયું કર્યું!
વરસાદનું એક ટીપું પણ નહોતું પડ્યું, પરંતુ આઉટફીલ્ડ પરની ભીનાશને કારણે ફરી રમત ન થઈ

કાનપુર: શુક્રવારે કાનપુરમાં ભારત સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે 35મી ઓવરને અંતે બાંગ્લાદેશનો સ્કોર ત્રણ વિકેટે 107 રન હતો ત્યાર બાદ રમત થઈ જ નથી શકી અને હવે સ્થિતિ એવી આવી છે કે કુલ મળીને પોણાત્રણ દિવસની રમત ધોવાઈ જવાને કારણે આ મૅચ ડ્રૉ તરફ જઈ રહી છે.
રવિવારે ગ્રીન પાર્ક સ્ટેડિયમના મેદાન પર મિડ-ઑન તથા મિડ-ઑફની આસપાસના ભાગોમાં તેમ જ મીડિયા બૉક્સની સામેના બોલરના રન-અપ પર ભીનાશ હોવાને લીધે જરા પણ રમત નહોતી થઈ શકી. બપોરે બે વાગ્યે અમ્પાયર્સ અને મૅચ રેફરીએ નિર્ણય બતાવતાં રમત ફરી શરૂ કરવા માટેની આશા પર પાણી ફરી વળ્યું હતું.
એક તરફ અમ્પાયર્સે નિર્ણય જાહેર કર્યો હતો અને બીજી તરફ વાદળો વચ્ચેથી સૂરજદાદાએ ડોકિયું કર્યું હતું. જોકે શનિવારની રાતના વરસાદને કારણે મેદાન ભીનું હોવાથી રમત શરૂ કરવાની કોઈ જ સંભાવના નહોતી.
રવિવારે વરસાદનું એક ટીપું પણ નહોતું પડ્યું, પરંતુ મેદાન પર ઠેકઠેકાણે ભીનાશ હોવાને કારણે મૅચ ફરી શરૂ કરવા માટેની મંજૂરી નહોતી મળી. સોમવાર અને મંગળવારના બાકીના બે દિવસમાં જો પૂરી રમત રમાશે તો અને બન્ને દેશની ઇનિંગ્સમાં ઝડપી વળાંકો આવશે તો મૅચનું પરિણામ શક્ય છે. હા, ફરી મેઘરાજા મહેરબાન થશે તો આ મૅચ ડ્રૉમાં જશે અને સિરીઝનું 1-0નું પરિણામ ભારતની તરફેણમાં રહેશે.
બપોરે જ્યારે અમ્પાયરો ફરી મેદાનની ચકાસણી માટે નીચે ઊતર્યા ત્યારે પ્રેક્ષકોએ ગુડ ન્યૂઝની આશા રાખી હતી, કારણકે વરસાદ જરાય પડ્યો જ નહોતો. જોકે કોઈ જ નિર્ણય નહોતો આવ્યો અને છેવટે બપારે 2.00 વાગ્યે અમ્પાયરોએ જાહેર કરી દીધું હતું કે આવા ભીના મેદાન પર રમવું જરાય સંભવ નથી. આ મૅચમાં કુલ મળીને (બે-બે કલાકવાળા) આઠ સત્ર ધોવાઈ ગયા છે.