સ્પોર્ટસ

બાંગ્લાદેશની ધબડકા સાથે શરૂઆત, 26 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી

ચેન્નઈ: બાંગ્લાદેશની ટીમે અહીં પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસે ભારતને 400 રન સુધી નહોતું પહોંચવા દીધું અને 376 રનના સ્કોર પર ઑલઆઉટ કરી દીધું હતું. જોકે ત્યારબાદ ખુદ બાંગ્લાદેશે લંચના બ્રેક સુધીમાં ફક્ત 26 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

બાંગ્લાદેશની પહેલી વિકેટ જસપ્રીત બુમરાહે અને બીજી બે વિકેટ બીજા પેસ બોલર આકાશ દીપે લીધી હતી. બુમરાહે ઓપનર શદમાન ઇસ્લામ (બે રન)ને ક્લીન બોલ્ડ કર્યો અને ત્યાર પછી આકાશ દીપે એક ઓવરમાં તરખાટ મચાવ્યો હતો. આકાશ દીપે બે બૉલમાં બે વિકેટ લઈ લીધી હતી.

આકાશ દીપે પહેલાં તો ઝાકિર હસન (ત્રણ રન)ને બોલ્ડ કર્યો અને ત્યાર પછી બીજા જ બૉલમાં 63 ટેસ્ટના અનુભવી અને 12 સેન્ચુરી ફટકારી ચૂકેલા મોમિનુલ હકનું ઑફ સ્ટમ્પ ઉખાડી દીધું હતું. કેપ્ટન નજમુલ શેન્ટો ભારતીય બોલર્સ સામે સંઘર્ષ કરીને 15 રને નોટઆઉટ હતો.

બુમરાહે 10 રનમાં એક વિકેટ લીધી તો આકાશ દીપે ફક્ત પાંચ રનમાં બે બૅટરને આઉટ કરી દીધા હતા. મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિને પણ બાંગ્લાદેશના બેટર્સને અંકુશમાં રાખ્યા હતા.

એ પહેલાં, ભારતનો પ્રથમ દાવ 376 રનના સ્કોર પર સમાપ્ત થયો હતો. રવીન્દ્ર જાડેજા આગલા દિવસના 86 રને જ આઉટ થઈ ગયો હતો. ગુરુવારનો સુપર હીરો અશ્વિન 113 રન પર આઉટ થયો હતો, જ્યારે આકાશે 17 રન અને બુમરાહે સાત રનનું યોગદાન આપ્યું હતું.

ભારતને વધારાના 30 રનનો પણ ફાયદો થયો હતો.
બાંગ્લાદેશના બોલર્સમાં હસન મહમુદે પાંચ અને તાસ્કીન અહેમદે ત્રણ વિકેટ લીધી હતી.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button