ઑસ્ટ્રેલિયામાં ભારતના 4-0ના મુશ્કેલ મિશનની શરૂઆતની ઘડીઓ ગણાઈ રહી છે…

પર્થઃ ઑસ્ટ્રેલિયા સામે આવતી કાલે (શુક્રવારે, સવારે 7.50 વાગ્યાથી) શરૂ થતી પાંચ ટેસ્ટવાળી બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતીય ટીમનો એકમાત્ર ઉદ્દેશ આ શ્રેણી 4-0થી જીતવાનો છે અને એ મિશન પર્થની ફાસ્ટ તથા બાઉન્સી પિચ પરની આ મૅચ સાથે શરૂ થઈ રહ્યું છે. ઑસ્ટ્રેલિયામાં ભારત છેલ્લી બન્ને શ્રેણી 2-1થી જીત્યું છે એટલું જ નહીં, એ ઉપરાંત ભારતમાંની છેલ્લી બે સિરીઝમાં પણ ભારતે 2-1થી જીત મેળવી હતી. એ જોતાં તેમ જ ભારતીય ટીમને કેટલાક ખેલાડીઓની ગેરહાજરી અને ઈજાની જે સમસ્યા સતાવી રહી છે એ જોતાં 4-0થી શ્રેણી-વિજય મેળવવો અત્યંત મુશ્કેલ છે. પર્થમાં બે દિવસ પહેલાં કમોસમી વરસાદ હોવાથી મેદાનના માળીઓને ઇચ્છા મુજબની પિચ બનાવવામાં ઘણી તકલીફ પડી છે.
ભારત 4-0થી આ સિરીઝ જીતે તો જ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલમાં પહોંચવાનો દાવો જાળવી શકે. એક પણ પરાજય ભારતને ડબ્લ્યૂટીસીની બહાર કરી શકે.

રોહિત શર્માની ગેરહાજરીમાં રમનાર કેએલ રાહુલના પર્ફોર્મન્સ પર સૌની નજર રહેશે. રાહુલની આઠમાંથી સાત સેન્ચુરી વિદેશી ધરતી પર બની છે. જાન્યુઆરી, 2015માં રાહુલે સિડનીની ટેસ્ટના પ્રથમ દાવમાં 110 રન બનાવ્યા હતા. ત્યારે કૅપ્ટન વિરાટ કોહલીએ પણ એ દાવમાં 147 રન બનાવ્યા હતા. એ ટેસ્ટ ડ્રૉમાં પરિણમી હતી.
આ પણ વાંચો : IND vs AUS: ‘વોર્નરની જેમ રમવાની જરૂર નથી…’ પેટ કમિન્સે ડેબ્યું કરી રેહેલા બેટ્સમેનને આપી સલાહ
બન્ને દેશની સંભવિત ઇલેવનઃ
ભારતઃ જસપ્રીત બુમરાહ (કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી, ધ્રુવ જુરેલ, આર. અશ્વિન/રવીન્દ્ર જાડેજા/વૉશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા/પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ/આકાશ દીપ.
ઑસ્ટ્રેલિયાઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), ઍલેક્સ કૅરી (વિકેટકીપર), ઉસમાન ખ્વાજા, નૅથન મૅકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચલ માર્શ, મિચલ સ્ટાર્ક, નૅથન લાયન અને જૉશ હૅઝલવૂડ.