સ્પોર્ટસ

ભારતની મૅચોને હજી ચાર મહિના બાકી છે, ટિકિટો અત્યારથી જ `સૉલ્ડ આઉટ’…

અગરવાલ સમાજના અમિત ગોયલનો 880 ટિકિટ ખરીદવાનો વિક્રમ, ભારત આર્મીએ મેળવી 2,400 ટિકિટ

મેલબર્નઃ ભારતીય ક્રિકેટરોની ઑસ્ટ્રેલિયા ખાતેની વન-ડે અને ટી-20 ટૂરને હજી ચાર મહિના (Four months)નો સમય બાકી છે, પણ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે આઠ મૅચની 90,000 ટિકિટ (tickets) અત્યારથી વેચી નાખી છે અને એમાં પણ ભારતની સિડની (Sydney) ખાતેની વન-ડેની તેમ જ કૅનબેરા (Canberra) ખાતેની ટી-20 મૅચની તમામ ટિકિટો અત્યારથી વેચાઈ ગઈ છે.

ભારતીય ટીમ આગામી ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જશે જેમાં ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મૅચ રમાશે. શ્રેણીમાં સિડનીની મૅચ ત્રીજી અને કૅનબેરાની ટી-20 પ્રથમ હશે. એ ટૂરમાં ભારતીયોની અંતિમ મૅચ આઠમી નવેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે.

ક્રિકેટ ઑસ્ટ્રેલિયા (સીએ)એ એક નિવેદનમાં જણાવ્યું છે, ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની ઑક્ટોબર-નવેમ્બરની સિરીઝોની મૅચોમાં લોકોનો પ્રચંડ પ્રતિસાદ જોવા મળ્યો છે. ખાસ કરીને ભારતીય મૂળના ક્રિકેટપ્રેમીઓ એ મૅચો જોવા માટે ખૂબ ઉત્સાહિત છે. 16 ટકાથી વધુ ટિકિટો ભારતીયોની ફૅન ક્લબોએ ખરીદી છે. સિડની-કૅનબેરા મૅચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, મેલબર્ન ખાતેની ટી-20 અને ગૅબા ખાતેની ટી-20 માટે પણ બહુ સારો પ્રતિસાદ જોવા મળ્યો છે.’ ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર, ઑસ્ટ્રેલિયા સામેની ટિકિટો ખરીદવામાં ભારત આર્મી સૌથી સક્રિય ફૅન ક્લબોમાંથી એક છે.

આ ક્લબે 2,400 ટિકિટ ખરીદી છે. ફૅન્સ ઇન્ડિયાએ 1,400 ટિકિટ મેળવી છે. અગરવાલ સમુદાયની બ્રિસ્સી બનિયાઝ નામની ક્લબના અમિત ગોયલે ગૅબાની ટી-20 માટેની 880 ટિકિટ ખરીદી છે અને તેઓ એક મૅચની વ્યક્તિગત રીતે સૌથી વધુ ટિકિટ ખરીદનાર ક્રિકેટફૅન બન્યા છે. ભારતીય સમુદાયની જ ગોલ્ડ કોસ્ટ તથા પકકા લૉકલ ક્લબે ગોલ્ડ કોસ્ટ અને મેલબર્નની ટી-20ની 500થી વધુ ટિકિટો ખરીદી છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button