મેલબોર્ન: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25ની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ હતી, આ મેચમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે શરમજનક હાર (IND vs AUS 4th Test થઇ છે. ભારતીય ટીમ આ મેચ 184 રનથી હારી ગઈ.
મેચ જીતવા ટીમ ઈન્ડિયાને ઈનિંગમાં 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો, આ ટાર્ગેટ ચેઝ કરતા ટીમ ઇન્ડિયા 155ના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઈ હતી. બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયા તરફથી માત્ર યશસ્વી જયસ્વાલ જ સારું પ્રદર્શન કરી શક્યો. તેણે 84 રન કર્યા, પરંતુ થર્ડ અમ્પાયરે વિવાદાસ્પદ નિર્ણયને કારણે તે આઉટ થઇ ગયો. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન પીચ પર ટકી શક્યો નહીં. ઓસ્ટ્રેલિયા તરફથી બોલિંગમાં પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડે 3-3 જ્યારે નાથન લિયોને 2 વિકેટ ઝડપી હતી.
આવી રહી ટીમ ઇન્ડિયાની બીજી ઇનિંગ:
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ધીમી રહી હતી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે નવા બોલ પર મોટા શોટ મારવાનો પ્રયાસ કર્યો ન હતો. પરિણામે ભારતે 16 ઓવરમાં માત્ર 25 રન બનાવ્યા હતા. રોહિત (9)ને પેટ કમિન્સે મિશેલ માર્શના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ચાર બોલ પછી, કમિન્સે પણ કેએલ રાહુલને ઉસ્માન ખ્વાજાના હાથે કેચ આઉટ કરાવ્યો. રાહુલ ખાતું પણ ખોલાવી ન શક્યો. ત્યારબાદ વિરાટ કોહલી પણ 5 રન બનાવીને મિચેલ સ્ટાર્કના બોલ પર ખ્વાજાના હાથે કેચ આઉટ થયો હતો. કોહલી ફરી ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર આઉટ થયો.
અહીંથી ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલે સાથે મળીને ઇનિંગ્સને સંભાળી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 88 રનની પાર્ટનરશીપ થઈ હતી. યશસ્વીએ સતત બીજી ફિફ્ટી ફટકારી. રિષભ ક્રિઝ પર સેટ હતો, પરંતુ ટ્રેવિસ હેડના બોલ સિક્સ મારવાનો પ્રયાસ કરતી વખતે તે મિશેલ માર્શના હાથે કેચ આઉટ થયો હતો. રિષભે 104 બોલમાં બે ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા.
Also read: IND vs AUS 4th Test: મેચ રોમાંચક સ્થિતિમાં, બુમરાહે મચાવ્યો તરખાટ, જાણો આજે શું શું થયું
આ પછી આવેલો જાડેજા તરત આઉટ થઇ ગયો, જાડેજા (2) સ્કોટ બોલેન્ડના હાથે વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો હતો. પ્રથમ ઇનિંગમાં સેન્ચુરી ફટકારનાર નીતીશ કુમાર રેડ્ડી આ ઇનિંગમાં કંઇ ખાસ કરી શક્યો નહીં અને 1 રન બનાવીને નાથન લિયોનના બોલ પર આઉટ થયો. ભારતીય ટીમે માત્ર 9 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી ક્રિઝ પર રહ્યો હતો અને સ્કોર 84 રન બનાવ્યા, પરંતુ થર્ડ અમ્પાયરના ખરાબ નિર્ણયને કારણે તે આઉટ થઇ ગયો. ત્યાર બાદ ટીમ ઇન્ડિયાની ઇનિંગ્સનો ટૂંક સમયમાં અંત આવ્યો. આ પછી આકાશ દીપ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ બેટિંગથી કંઈ ખાસ કરી શક્યા નહીં, જ્યારે વોશિંગ્ટન સુંદર 5 રન બનાવીને અણનમ રહ્યો. ઓસ્ટ્રેલિયાની ટીમે હવે આ શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચે આ શ્રેણીની છેલ્લી મેચ હવે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 3 થી 7 જાન્યુઆરી દરમિયાન રમાશે.