રો-કો શનિવારે રોકી શકશે વાઇટવૉશ?

રોહિત-કોહલી પર બધો મદારઃ ઑસ્ટ્રેલિયા પહેલી વાર ભારત સામે ક્લીન સ્વીપ કરી શકશે?
સિડનીઃ ભારત (India) અને ઑસ્ટ્રેલિયા (Australia) વચ્ચે શનિવારે વન-ડે સિરીઝની છેલ્લી મૅચ (સવારે 9.00 વાગ્યાથી) રમાશે અને એ જીતીને કાંગારુંઓને વન-ડેના ઇતિહાસમાં પહેલી વખત ભારત સામે સિરીઝની તમામ મૅચો જીતવાની (ક્લીન સ્વીપ કરવાની) તક મળશે, પરંતુ એ રોકવાની જવાબદારી ખાસ કરીને ટીમના બે સિનિયર-મોસ્ટ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીની છે. રો-કો (રોહિત-કોહલી) તરીકે ઓળખાતી આ જોડી શનિવારે પોતે સારું રમીને ટીમના યુવાન ખેલાડીઓને પણ સારું પર્ફોર્મ કરવામાં પ્રેરણારૂપ બનશે એવી કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓને અપેક્ષા છે.
મિચલ માર્શના સુકાનમાં ઑસ્ટ્રેલિયાની ટીમ શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ ધરાવે છે. શનિવારે પણ જીતીને તેઓ 3-0થી ક્લીન સ્વીપ કરીને ભારત સામે નવો ઇતિહાસ રચી શકે. પહેલી બન્ને મૅચમાં ખાતું ન ખોલાવી શકનાર કોહલી શનિવારે 54 રન બનાવશે તો વન-ડેમાં સૌથી વધુ રન કરનારાઓમાં સંગકારાના સ્થાને બીજા નંબર પર આવી જશે.
આ પણ વાંચો: ‘ ફેરવેલ મૅચ થા’ રોહિત વિશે ગંભીર આવું શૉકિંગ કેમ બોલ્યો?
ભારત વન-ડેમાં 2023ના વર્લ્ડ કપની ફાઇનલ બાદ સતત 17 વન-ડેમાં ટૉસ હાર્યું છે. આજે એ કમનસીબ પરંપરા તૂટશે એવી ભારતીય ક્રિકેટપ્રેમીઓ આશા રાખશે.
સિડની (Sydney)માં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કુલ 19 વન-ડે રમાઈ છે જેમાંથી 16 ઑસ્ટ્રેલિયાએ અને માત્ર બે ભારતે જીતી છે. એક મૅચ અનિર્ણીત રહી છે. ભારત છેલ્લે 2021-’22માં સતત ત્રણ વન-ડે હાર્યું હતું. ત્યાર પછી પરાજયની હૅટ-ટ્રિક નથી થઈ અને શનિવારે પણ ન થાય એ માટે ટીમ ઇન્ડિયાએ કમર કસવી પડશે.

હવે જરાય કચાશ નહીં ચાલેઃ ગુરુવારે ઍડિલેઇડમાં કૅચ છોડ્યા પછી મોહમ્મદ સિરાજ



