મુંબઇ: ભારતે એશિયન ગેમ્સ 2023માં ઇતિહાસ રચ્યો છે. ભારતના ખિલાડીયોએ વિવિધ રમતોમાં જીત હાંસલ કરી ભારતને 100 મેડલ અપાવ્યા છે. જ્યારે આ લખાઇ રહ્યું છે ત્યાર સુધી આ મેડલની યાદીમાં 25 ગોલ્ડ મેડલનો સમાવેશ છે. ભારતની મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં ચીન તાઇપેને હરાવીને એશિયન ગેમ્સનો 100મો મેડલ જીત્યો છે.
ભારતીય મહિલા કબડ્ડી ટીમે ગોલ્ડ પોતાને નામે કર્યો હતો. આ મેચ ખૂબ જ રોમાંચક હતી. ભારતે આ મેચ 26-24થી જીતી છે. શનિવારની સવાર ટીમ ઇન્ડિયા માટે ઉત્તમ સાબિત થઇ છે. ભારતને આર્ચરીમાં પણ બે ગોલ્ડ મેડલ મળ્યા છે. ઉપરાંત શનિવારે સવારે જ એક સિલ્વર અને એક બ્રોન્ઝ પણ મળ્યો છે.
ભારતીય ખિલાડીઓએ એશિયન ગેમ્સ 2023માં 100 મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાએ કુલ 25 ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારતે આર્ચરી, ક્રિકેટ, હોકી, સ્ક્વોશ, જેવલીન અને શુટિંગ જેવી રમતોમાં ગોલ્ડ મેળવ્યો છે.
વાત ગોલ્ડની કરીએ તો ભારતને એશ્વર્ય તોમર, રુદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પવારે 10 મીટર એર રાયફલ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ અપાવ્યો. ત્યાર બાદ મહિલા ક્રિકેટ ટીમે પણ ફાઇનલ જીતી ગોલ્ડ પોતાને નામ કર્યો. દિવ્યકિર્તી સિંહ, હૃદય વિપુલ છેડ, અનુશ અગ્રવાલ અને સુજિપ્તિ હજેલાએ ડ્રેસેજ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.
મનુ ભાકર, ઇશા સિંહ, રિદમ સાંગવાને 25 મીટર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેળવ્યો હતો. સિફ્ત કોર સામરાએ વિમેન્સ 50 મીટર રાઇફલ 3 પોઝીશનમાં ગોલ્ડ પટકાવ્યો હતો. અવિનાશ સાબલેએ સ્ટીપલેજમાં અને તેજિંદર પાલ તૂરે શોટ પૂટમાં ગોલ્ડ મેળવ્યો. સાથે જ ભારતે સ્ક્વોશમાં પણ ગોલ્ડ જીત્યો હતો.
તો એશિયન ગેમ્સ 2023માં ભારત મેડલની યાદીમાં હાલમાં ચોથા નંબર પર છે. ભારતે 100 મેડલ જીત્યા છે. આ યાદીમાં ચીન પહેલાં નંબર પર છે. ચીને 356 મેડલ જીત્યા છે. જેણે 188 ગોલ્ડ, 105 સિલ્વર અને 63 બ્રોન્ઝ જીત્યા છે. આ યાદીમાં બીજા નંબર પર જાપાન છે જણે 47 ગોલ્ડ સાથે 169 મેડલ જીત્યા છે. કોરિયા ત્રીજા નંબર પર છે. કોરિયાએ 36 ગોલ્ડ, 50 સિલ્વર અને 86 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જેમના કુલ 172 મેડલ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આ જીતને વધાવી છે. એક્સ (ટ્વીટર) પર તેમણે તમામ ખિલાડીઓને સેન્ચ્યુરી બદ્દલ અભિનંદન આપ્યું છે.